17
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન ડભોઈ શહેરમાં જોવા મળેલી ગંદકી બાદ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. નગરમાં સ્વચ્છતા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે પાલિકા તંત્ર દ્વારા વિવિધ નિર્ણયો લેવાઇ રહ્યાં છે. ગત રોજ પ્રદેશ કમિશનર દ્વારા પણ ડભોઈ નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર, પ્રમુખ, કારોબારી સભ્ય સહિતના હોદ્દેદારો સાથે બેઠક યોજી સ્વચ્છતા સહિતના મુદ્દે ચર્ચા કરાઇ હતી. તેવી સૂત્રો દ્વારા માહિતી મળેલ છે.
શહેરમાં દિવસ દરમિયાનની સફાઈની સાથે રાત્રિના સમયે થતો કચરો પણ સમયસર એકત્રિત થાય તે માટે ડભોઈ નગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત હવે ડોર-ટુ-ડોર કચરો એકત્રિત કરતા વાહનો રાત્રિના સમયે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં દોડશે. આ વ્યવસ્થાથી રાત્રિના સમયે વેપારીઓ તથા લારી-ગલ્લા પરથી નીકળતો કચરો રસ્તા પર કે જાહેર સ્થળોએ ન રહે તે માટે મદદ મળશે. લારી-ગલ્લાનો કચરો હવે સીધો ડોર-ટુ-ડોર વાહનમાં નાખી શકાશે. ડભોઈ શહેરમાં રાત્રિના સમયે લારી-ગલ્લા અને નાના વેપારીઓ દ્વારા થતો કચરો એકત્રિત કરવા માટે નવી વ્યવસ્થા અમલમાં મૂકાઇ છે. રાત્રે દોડતા ડોર-ટુ-ડોર વાહનમાં લારી-ગલ્લા સંચાલકો પોતાનો કચરો સીધો નાખી શકશે. જેથી જાહેર રસ્તા પર કચરાના ઢગલા ન થાય અને શહેરની સ્વચ્છતા જળવાઈ રહે. મુખ્યમંત્રીની સરપ્રાઈઝ વિઝિટ બાદ પાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતા મુદ્દે નવી પહેલને શહેરને સ્વચ્છ રાખવાના પ્રયત્ન કરાયા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો