શહેરના વાઘોડિયા - ડભોઈ રીંગ રોડ પર ફ્લેટમાં રહેતાં પોલીસ કર્મચારીના ઘરમાં દેવ દિવાળીની રાતે ફટાકડાના કારણે આગ લાગ્યા બાદ રાંધણ ગેસના બોટલમાં બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગમાં ઘર વખરી સામાન બળીને ખાક થઈ ગયો હતો. સિલ્વર સ્ટોન કોમ્પલેક્સમાં બીજા માળે રહેતાં વસંતભાઈ પટેલ પોલીસ હેડ ક્વૉર્ટરમાં ફરજ બજાવે છે. તેમના ઘરના સભ્યો વતનમાં ગયા છે. જ્યારે ગઈકાલે મંગળવારે રાતે વસંતભાઈ જમીનને નોકરી પર ગયા હતા. દરમિયાન ફટાકડાના કારણે તેમના ઘરમાં આગ લાગી હતી. આગની જવાળાઓ ઝડપથી ફેલાઈ જતાં દોડધામ મચી હતી. સૌપ્રથમ રહિશોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યા હતો, પરંતુ સફળતા મળી ન હતી. આગની તીવ્રતા જોઈ ફ્લેટના રહિશો પણ બહાર આવી ગયા હતા. ત્યારબાદ ઘરમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. જેને લઈ વિસ્તાર ધણધણી ઉઠયો હતો. બ્લાસ્ટના કારણે રહિશોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. આગના બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર દોડી ગયા હતા. તેમણે સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. બીજી તરફ વસંતભાઈને પણ રહિશોએ જાણ કરતાં ઘરે આવી ગયા હતા. તેમણે ઘરમાં તપાસ કરતાં ટીવી, ફ્રીજ, એસી સહિતનો ઘરવખરી સામાન બળીને ખાક થઈ ગયો હતો. તેમજ રસોડામાં રાંધણગેસનો બોટલ ફાટતાં બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું હતું. બ્લાસ્ટના કારણે મકાનની દિવાલ ધરાશાયી થવાની સાથે આસપાસના મકાનોને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળે છે.
