હાલ ચોમાસાની સીઝન શરૂ થતાં જ નસવાડી તાલુકામાં ખેડૂતો દ્વારા મોટા પાયે વાવેતર કરાઇ રહ્યું છે. જ્યારે કેટલાય ખેડૂતો પોતાનું વાવેતર પૂર્ણ કરી ચૂક્યા છે. પરંતુ, વર્તમાન સમયમાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જે ખેડૂતો પાસે પિયતની વ્યવસ્થા ઉપલબ્ધ છે. તેઓ કૂવા કે ટયુબવેલ મારફ્તે પિયત આપીને પોતાના મોંઘા બિયારણને બચાવવા માટે રાત-દિવસ મથામણ કરી રહ્યાં છે.
આ કપરી પરિસ્થિતિમાં વીજ કંપનીની બેદરકારી ખેડૂતો માટે પડતા પર પાટા સમાન છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, કોઈપણ જાતની પૂર્વ સૂચના આપ્યા વિના દિવસમાં અસંખ્ય વાર વીજ પુરવઠો ખોટકાય છે. આ આડેધડ પાવર કટને કારણે જે પિયતનું કામ માત્ર બે દિવસમાં પૂર્ણ થવાનું હોય તેમાં અઠવાડિયા કરતાં પણ વધુ સમય નીકળી રહ્યો છે. જેને લીધે પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. દર વર્ષે આવી જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. અને અંતે ખેડૂતોને જ આર્થિક નુકસાન વેઠવું પડે છે.










