ડભોઈમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે લાલબત્તી ધરતો વધુ એક સળગતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં સામાન્ય જનતાની સુરક્ષા કરતી ખાખી પર જ માથાભારે તત્વોએ સરેઆમ જીવલેણ હુમલો કર્યો છે. ગુનેગારોમાં કાયદાનો કોઈ ભય જ ન રહ્યો હોય તેમ, ઉશ્કેરાયેલા ટોળાએ ઓન ડયુટી હેડ કૉન્સ્ટેબલ અને કૉન્સ્ટેબલ પર જાનથી મારી નાખવાના ઈરાદે ઇંટોના પથ્થર ફ્ટકારી લોહીલુહાણ કરી દીધા હતા.સરકારી દવાખાનામાં ધોળા દિવસે ફ્રજ પર 10થી વધુ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો.
ડભોઈમાં મહુડી ભાગોળમાં ઘર પાસે મૂકેલું છોડનું પિંજરું હટાવવા મુદ્દે બે પક્ષ વચ્ચે બે દિવસ અગાઉ ઝઘડો થયો હતો. જે બાદ આ સમગ્ર પ્રકરણ ડભોઈ પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. ફરિયાદની તપાસના કામે ડભોઈ પોલીસના બે કર્મચારીઓ પરવેઝ ઉર્ફે રાજા નામના શખ્સને ગઈકાલે પોલીસ સ્ટેશન લાવ્યા હતાં. ત્યારબાદ પરવેઝને લઈ હેડ કૉન્સ્ટેબલ અને કૉન્સ્ટેબલ લગભગ બપોરે પોણા બે વાગે ડભોઈના સરકારી દવાખાને લઈ ગયા હતાં. જ્યાં પરવેઝના ઓળખીતાઓ ભેગા થયા હતાં. દરમિયાન પરવેઝ ઉર્ફે રાજા સિકંદર ગરાસિયાએ ઉશ્કેરણી કરી હતી કે, આ પોલીસવાળા આપણને જ પકડે છે અને સામાવાળાઓને પકડતા નથી, જેથી આજે તેઓને જાનથી મારી નાખો.










