શિનોર તાલુકાના મોટા ફેફ્ળિયા મુકામે પાંચ ગામો કંજેઠા, અંબાલી, ઝાંઝડ, કુકસ અને મોટા ફેફ્ળિયાના પ્રજાજનો માટે સેવા સેતુ કાર્યક્રમ મામલતદારે દીપ પ્રાગટય કરી ખુલ્લો મુક્યો હતો. જેનો પ્રચાર નહીં થવાથી જુજ અરજદારો હાજર રહેતાં કાર્યક્રમ ફરસરૂપ સાબિત થયો હતો.

મોટા ફેફ્ળિયા મુકામે જાતિના દાખલા કરવામાં તથા આધારકાર્ડમાં સુધારા બાબતે ગમે તે બહાના બતાવીને શિનોર તાલુકા મથકે આવવા જણાવવામાં આવેલ છે. એકમાત્ર આરોગ્ય વિભાગ આયુષ્યમાન કાર્ડ તથા આરોગ્યની અન્ય સેવાઓ આવા કેમ્પમાં આપી રહી છે, વિવિધ 53 યોજનાઓમાંથી આજે ઘણી બધી યોજનાના કર્મચારી કે અધિકારીઓ આવ્યા નહોતા. પ્રચાર થયો ના હોવાથી પાંચ ગામોના પુરા લાભાર્થીઓ પણ આવી શક્યા નહોતા. આ કાર્યક્રમમાં મામલતદાર મુકેશ બારીયા, ઇન્ચાર્જ સીડીપીઓ ચેતનાબેન પટેલ, ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફ્સિર ડો.જીગ્નેશ વસાવા, સરપંચ ભગુભાઈ રબારી, તાલુકા પંચાયત સદસ્યો સિવાય અન્ય કોઈ પદાધિકારીઓ કે અધિકારીઓ હાજર રહ્યા નહોતા. સતત વરસાદના કારણે અગાઉ પણ શાળાઓ ઘણી વખત બંધ રાખવાના પરિપત્રો થયા હતા. આ સેવા સેતુ કાર્યક્રમના કારણે પણ લેખિત પરિપત્ર વગર સવારની શાળા થવાથી પ્રાથમિક શાળાના બાળકોના અભ્યાસ ઉપર માઠી અસર પહોંચે છે. આમ શિનોર સેવા સદનમાં પછી સાધલી પ્રાથમિક શાળામાં અને આજે મોટાફેફ્ળિયા પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમનો ફ્યિાસ્કો થયો છે.