રેડ એલર્ટ વચ્ચે મેઘરાજાએ એક ધારું વરસવાનું ચાલું જ રાખતા વડોદરા શહેર અને તેની આસપાસના પાંચ તળાવો ફાટયાં હતાં. જેના કારણે વરસાદી પાણી આસપાસના વિસ્તારોમાં ઘૂસી જતાં પૂર જેવી સ્થિતિનુ નિર્માણ થયું હતું. કેટલાક વિસ્તારો બેટમાં ફેરવાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. મકાનો-દુકાનોમાં ઘૂસી ગયેલા પાણીના કારણે સેંકડો લોકોને લાખો રૂપિયાનું નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે. જેનાથી વડોદરા મ્યુનિ. કોર્પોરેશન અને જિલ્લા પંચાયત તંત્રની નિષ્ફળતાના દ્રશ્યો સામે આવ્યા હતાં.

ગઈકાલે ત્રણ ઈંચ વરસ્યા બાદ ગઈ રાતે 8 કલાકથી આજે રાતે 8 કલાક દરમિયાનના 24 કલાકમાં 4 ઈંચ જેટલો વરસાદ પડયો હતો. જે દરમિયાન શહેર તરબોળ થયું હતું. તેમજ શહેરમાં અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયા હતાં. જેના કારણે જનજીવન ખોરવાયું હતું. સૂત્રોએ કહ્યું કે,બીજી તરફ, મ્યુનિ. કોર્પોરેશનની હદમાં સમાવેશ કરાયેલ ઉંડેરા તળાવ, કરોડિયા તળાવ, બાજવા તળાવ, કોયલી તળાવ અને ભાયલી તળાવ ફાટતા આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતાં. કરોડિયા ગામ, બાજવા ગામ, બાજવાથી કરોડિયા તરફ જવાનો મુખ્ય રોડ,ગોકુલ નગર, વૃંદાવન સોસાયટી, ક્ષત્રિય સોસાયટી, જય અંબે સોસાયટી, પાયલ સોસાયટી, વહાણવટી માતા મંદિરની આસપાસનો વિસ્તાર,હરિ કૃષ્ણ સોસાયટી, ગોરવા મધુનગર ચાર રસ્તા પાસે આવેલ રાજીવનગર, ઉંડેરા ગામ, ઉંડેરા ગામને જોડતા રોડ પર, કોયલી ગામ, કોયલીથી અંકોડિયા રોડ, ભાયલી ગામ, ઈંદીરાનગર અને તેની આસપાસ,કોયલી તળાવની આસપાસ આવેલા સોસાયટી વિસ્તારો સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેમાં મોટાભાગના વિસ્તારો બેટમાં ફેરવાઈ જતાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. સૂત્રોએ ઉમેર્યું કે,અનેક રહેણાકના મકાનો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં સેંકડો લોકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતાં. આ પૈકી ઘણી જગ્યાએ તો ડ્રેનેજના પાણી ઘરમાં ઊભરાવા લાગ્યા હતાં.

વડોદરા મ્યુનિ. કોર્પોરેશન તેમજ વડોદરા તાલુકાની હદમાં આવતા આ વિસ્તારોમાં આટઆટલી ખરાબ પરિસ્થિતિ સર્જાવા છતાં પણ કોઈ રાજકારણી જોવા શુદ્ધા આવ્યો ન હતો. સૂત્રોએ ઉમેર્યું કે, ગોરવા તળાવની પણ આવી જ સ્થિતિ છે. ગોરવા તળાવ પણ પાણીથી ભરાઈ ગયું છે. તેમજ આસપાસ રોડ પરથી પાણી આ તળાવ લેતું નથી.આ તળાવ પણ છલકાઈ જવાની તૈયારીમાં છે. આવી જ રીતે,ગોત્રી તળાવમાં પણ ગોરવા, લક્ષ્મીપુરા તરફથી પાણી આવતા તે તળાવ પણ કોઈ પણ સમયે ફાટે તેવી સ્થિતિ હોવાનું જાણવા મળે છે. હજુ તો ચાર ઈંચ જ વરસાદ થયો છે, એવામાં આવી હાલત થઈ ગઈ છે ત્યારે ભારે વરસાદ કે અતિ ભારે વરસાદ પડશે તો વડોદરાની શું દશા થશે ? તે પ્રશ્નની કલ્પના જ કપાળે ચિંતાની રેષાઓ ખેંચી દે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો