શિનોર તાલુકાના સતીષાણા ગામે અપહરણ બાદ સાડા ચાર વર્ષની માસૂમ બાળકીની હત્યાના અત્યંત કરૂણ અને હચમચાવી દેનારા બનાવનો ભેદ વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં ઉકેલી આરોપીને ઝડપી પાડયો હતો.
ગત તા. 15ના રોજ રાત્રીએ સતીષાણા ગામેથી એક સાડા ચાર વર્ષની બાળકીનું અપહરણ થયાની ઘટના સામે આવી હતી. જેની ગંભીરતાને ધ્યાને લઈ વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ઓપરેશન પરાક્રમ હાથ ધરાયું હતું. LCB., SOG. તથા શિનોર પોલીસ સહિતની આશરે 10 જેટલી વિશેષ ટીમો બનાવી માનવસૂત્રો, ટેકનિકલ સર્વેલન્સ, ડોગ સ્ક્વોડ, FSL અને અન્ય આધુનિક તપાસ પદ્ધતિથી સઘન તપાસ શરૂ કરાઇ હતી. પોલીસ દ્વારા આશરે 60 શંકાસ્પદની પૂછપરછ કરાઇ હતી. દરમિયાન ભોગ બનનાર બાળકીના ફ્ળિયામાં રહેતા અજય લક્ષ્મણ રાઠોડિયા ઉપર શંકા જતાં પોલીસે સઘન પૂછપરછ કરી હતી. જેમાં આરોપી ભાંગી પડયો હતો. અને બાળકીનું અપહરણ કરી તેની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. આરોપીને બાળકીની માતા સાથે ઘણા સમયથી પ્રેમ સંબંધ હોય જે બાબતે તેની માતા સાથે અવારનવાર ઝઘડા થતાં હતા. જેની અદાવતે માતા સાથે બદલો લેવા રાત્રિના આશરે દોઢેક વાગ્યાના સુમારે બાળકી તેના દાદા સાથે ઘરના આંગણામાં ખાટલા પર સૂતી હતી. ત્યારે અપહરણ કરી ગામના છેવાડે નેરીયા રસ્તે લઈ જઈ બાળકી જાગી જતાં ગળે દોરી બાંધી ટુંપો દઇ મોત નીપજાવી, મીણીયા પ્લાસ્ટિકની થેલીમાં મૃતદેહ સાથે પથ્થર તથા ઇંટો ભરીને થેલીનું મોઢું દોરડા વડે બાંધી પોતાની બાઇક પર આગળના ભાગે મૂકી કેનાલ પર જઈ કેનાલમાં ફેંકી દીધાની કબુલાત આરોપીએ કરી હતી. પોલીસ, પંચ સાક્ષી અને. એક્ઝિ. મેજિસ્ટ્રેટની હાજરીમાં આરોપીની નિશાનદેહી પરથી કેનાલમાંથી બાળકીનો મૃતદેહ મળતા ઘટનાનો ભેદ ઉકેલ્યો હતો. આરોપી વિરુદ્ધ અપહરણ, હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.










