સાવલી તાલુકાના આનંદીના મુવાડા ગામે મેવલી માઈનોર કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યાં હતા, એક બાજુ સિંચાઈના પાણી વગર સુકાઈ રહેલા પાક અને બીજી બાજુ લાખો લીટર પાણીના વેડફાટથી સમગ્ર તાલુકાના ખેડૂતોમાં સિંચાઈ વિભાગ પ્રત્યે પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે. સાવલી તાલુકાના મેવલી અને ધનતેજ ગામ વચ્ચે આવેલા આનંદીના મુવાડા ગામે માઈનોર કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે. છેલ્લા ત્રણથી ચાર દિવસથી કેનાલમાંથી પાણી વહીને ખેતરોમાં ભરાતાં ખેડૂતોના પાકને નુકસાન થવાની સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ્, ગામને જોડતો કાચો રસ્તો પણ પાણીમાં ગરકાવ થઈ જતાં ગ્રામજનો અને ખેડૂતોની હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, સાથે ગામને જોડતા કાચા રસ્તાને પાકો બનાવવાની લાંબા સમયથી માંગ કરાઈ રહી છે. જોકે, વારંવારની રજૂઆતો છતાં રસ્તાનું નિર્માણ ન થતાં હવે કેનાલમાં ગાબડું પડવાથી મુશ્કેલીઓમાં વધારો થયો છે. કાચા રસ્તા પર પાણી ભરાઈ જતાં ખેડૂતો પોતાના ખેતરો સુધી પહોંચી શકતા નથી અને અન્ય સ્થળે જવા માટે લાંબો ચક્કર લગાવવાની ફરજ પડી રહી છે. એકબાજુ કાચો રોડ અને બીજી બાજુ કેનાલનું ભરાયેલું પાણી ખેડૂતો માટે પારાવાર યાતના ઊભી કરી છે. મેવલી-ધનતેજ રોડ બન્યો, પરંતુ આનંદીના મુવાડા સુધી પાકો રસ્તો નહીં બનતા ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કેનાલમાં ગાબડું પડતા ડાંગરના પાકમાં પાણી ભરાઈ ગયું છે, જો કેનાલો સાફ્ કરીને પાણી છોડાયું હોત તો બધા જ ખેડૂતોને લાભ મળત અને કેનાલનું ગાબડું તેમ જ કેનાલોની યોગ્ય સફાઈ નહીં થાય તો કેનાલોની કચેરીએ જઈને ઉગ્ર આંદોલન કરવા ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.
