વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વ્યસ્ત એવા ગોત્રી રોડ પર આજે વહેલી સવારથી જ ટ્રાફિકની ભયાવહ સ્થિતિ જોવા મળી રહી છે. ગોત્રી GMERSબહાર મુખ્ય માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે, જેના કારણે વાહન વ્યવહાર અત્યંત ધીમો પડી ગયો છે. આ ટ્રાફિક જામ એટલો ગંભીર છે કે હોસ્પિટલ તરફ જતી અનેક એમ્બ્યુલન્સ પણ રસ્તાની વચ્ચે કલાકો સુધી ફસાઈ ગઈ છે, જેના લીધે ગંભીર દર્દીઓ અને તેમના ચિંતાતુર સ્વજનોને ભારે મુશ્કેલી અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રોડ રિપેરિંગના કારણે ટ્રાફિક જામ
મળતી પ્રાથમિક માહિતી અનુસાર, ગોત્રી વિસ્તારમાં મુખ્ય માર્ગ પર કટોકટીના સમયે ચાલી રહેલા રોડ રિપેરિંગ અને ડેવલપમેન્ટના કામના કારણે આ ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે. રસ્તા પર ચાલી રહેલા કામકાજને લીધે માર્ગ સાંકડો બની ગયો છે અને વાહનોની અવરજવરની ગતિ સાવ ધીમી પડી ગઈ છે. ઓફિસ અને સ્કૂલે જવાના પીક અવર્સ દરમિયાન સેંકડો વાહનચાલકો કાળઝાળ ગરમીમાં લાંબા સમય સુધી રસ્તા પર અટવાયેલા જોવા મળ્યા હતા.













