કરજણ તાલુકા સેવાસદન કચેરી બિલ્ડિંગમાં જાનમાલની સલામતી માટેના લગાવેલા ફાયર સેફ્ટીના સાધનો (ફાયર એક્સ્ટિંગ્વિશર)ની અવધિ એક વર્ષ અગાઉ પૂર્ણ થઈ ગયેલ હોવાનું સામે આવતાં તંત્રની ઘોર બેદરકારી સપાટી પર આવી છે. જે બાબતે રોજબરોજ કચેરી ખાતે ફરજ અર્થે આવતા અધિકારીઓ કે, કર્મચારીઓની આજદિન સુધી નજર શુદ્ધા નહિ જતાં સરકારી બાબુઓ કચેરીમાં જાણે લટાર મારવા જ આવતા હોય તેવી ચર્ચાએ જોર પકડયું છે. મળતી માહિતી અનુસાર, કરજણ જુનાબજાર ને. હા. 48 ભારત કોટન પાસે કરજણ તાલુકા સેવા સદન કચેરી બિલ્ડીંગ આવેલી છે. જેમાં કરજણ મામલતદાર, પ્રાંત અધિકારી નાયબ કલેકટર, કરજણ DYSP, ઈ-ધરા, જનસેવા કેન્દ્ર, સિટી સર્વે સહિતની વહીવટી માળખાની તમામ ઓફ્સિો આવેલ છે. કરજણ નગર સહિત 99 ગામ ધરાવતો તાલુકો હોય રોજના હજારો અરજદારો અને સરકારી કર્મીઓની સતત અવરજવર સેવાસદન ખાતે રહે છે. ઉપરાંત કચેરીમાં અનેક મહત્વપૂર્ણ સરકારી દસ્તાવેજો અને રેકોર્ડ પણ સચવાયેલા હોય છે. ત્યારે જાન માલની સલામતી માટે બિલ્ડીંગમાં દીવાલો ઉપર લગાવેલ ફાયર સેફ્ટી સિસ્ટમના સાધનો (ફાયર એક્સ્ટિંગ્વિશર)ની અવધિ-એક્સ્પાયરી એક વર્ષ અગાઉની પૂર્ણ થયેલી સામે આવી છે. કેટલાક ફાયર સેફ્ટી સિલિન્ડર સાધનો ઉપર એક્સ્પાયરી ડેટ પણ લખેલી જોવા મળતી નથી. વળી આગ બુઝાવવા માટે લગાવેલ પાણીની પાઈપલાઈન વાલ્વ સાથે લગાવેલ છે. પરંતુ હજુસુધી પાણીની ટાંકી સાથે જોડાણ કરાયું નથીં. ભીડભાડવાળી સરકારી કચેરીમાં આગ અકસ્માત જેવી અનિચ્છનીય ઘટના બને, તો એક્સપાયર્ડ થયેલા સાધનો શોભાના ગાંઠિયા સમાન છે. જાનહાનિની ભીતિ સેવાય છે. જે બાબતે કરજણ પ્રાંત અધિકારી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં કરજણ તાલુકા સેવા સદન કચેરી બિલ્ડીંગમાં લગાવેલા તમામ એક્સપાયર્ડ થયેલા ફાયર સેફ્ટીના સાધનો તાત્કાલિક અસરથી રિફ્લિ કરાવવા અથવા નવા લગાવવા સહિત તેની નિયમિત ચકાસણી કરવા લોકમાગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો