વિશ્વપ્રસિદ્ધ સંત શિરોમણી પ.પૂ. સ્વામીજી સાવલીવાળાની કર્મભૂમિ તેમજ પૂ. ગેબીનાથ દાદાની જીવંત સમાધિથી પાવન બનેલા પૌરાણિક શ્રી ભીમનાથ મહાદેવ મંદિર, સાવલી ખાતે આગામી અષાઢ સુદ પૂર્ણિમા, બુધવાર તા.29ના રોજ પરંપરા અનુસાર ગુરુપૂર્ણિમા મહોત્સવ ભક્તિભાવ, શ્રાદ્ધા અને ભવ્યતા સાથે ઉજવાશે.

જેનો શુભ પ્રારંભ પ્રાતઃકાળે સુમધુર શહેનાઈ વાદનથી થશે. ત્યારબાદ સંગીત પ્રચારિણી સભાના રંગમંચ ઉપર પ્રસિદ્ધ કલાકારો દ્વારા ભક્તિમય સંગીત અને કર્ણપ્રિય ભજનોની રજૂઆત કરાશે. સવારે 8:30 કલાકે પૂ. સ્વામીજીની સમાધિ મંદિર સમક્ષ પરંપરાગત રીતે ગુરુ પાદુકાનું પૂજન યોજાશે. તે સાથે જ હોમાત્મક લઘુરુદ્ર યાગનો પ્રારંભ થશે. જેની પૂર્ણાહુતિ બપોરે 1 કલાકે શ્રીફ્ળ હોમી કરાશે. દેશ-વિદેશમાંથી ગુરુ આશીર્વાદ મેળવવા તથા સમાધિ મંદિરના દર્શનાર્થે પધારતા હજારો ભક્તજનો માટે વિશાળ કેદારેશ્વર સભા મંડપ ખાતે મહાપ્રસાદની સુવ્યવસ્થિત વ્યવસ્થા કરાઇ રહી છે. સંધ્યાકાળે બંને સમાધિ મંદિરો તથા ગર્ભગૃહમાં દિવ્ય મહા આરતી યોજાશે. ત્યાર બાદ ગુરુપૂર્ણિમા મહોત્સવની પૂર્ણાહુતિ થશે.

ગુરુપૂર્ણિમા મહોત્સવને લઈને ભીમનાથ મહાદેવ પરિસરને આકર્ષક રંગબેરંગી રોશનીથી શણગારાઇ રહ્યું છે. બંને સમાધિ મંદિરો, ગુરુગાદી તથા ગર્ભગૃહને સુગંધિત પુષ્પોથી અલંકૃત કરાશે. તેમજ વરસાદી ઋતુને ધ્યાનમાં રાખી વિશાળ મંડપની વ્યવસ્થા પણ કરાઇ છે. મંદિરના વહીવટી તંત્રના જણાવ્યા મુજબ, દર્શન, મહાપ્રસાદ તથા ભક્તજનોની સુવિધા માટે વિશેષ આયોજન કરાયું છે. ગુરુ પાદુકા પૂજન, લઘુ રુદ્ર યાગ, ભક્તિ સંગીત અને મહાપ્રસાદના ભવ્ય આયોજન સાથે ગુરુપૂર્ણિમા પર્વ ઉજવાશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો