વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે 14 નવેમ્બર, 2026ના રોજ બપોરે 2 વાગ્યે વડોદરા જિલ્લાના વાઘોડિયા GIDC ખાતે શંકર પેકેજિંગ્સ લિમિટેડ દ્વારા કર્મચારીઓ માટે ડાયાબિટીસ અંગે આરોગ્ય જાગૃતિ વેબિનાર યોજાયો હતો. જેમાં ફિઝિયોથેરાપિસ્ટ અને હોલિસ્ટિક હેલ્થ કોચ ડૉ. સ્નેહા છટાણીને આમંત્રિત કરાયાં હતાં. તેમણે કર્મચારીઓને ડાયાબિટીસ અંગે ઉપયોગી અને વૈજ્ઞાનિક માહિતી આપી હતી. વેબિનારનો મુખ્ય વિષય Early Action on Diabetes (ડાયાબિટીસ સામે સમયસર જાગૃતિ અને પગલાં) હતો. તેમાં ડાયાબિટીસ શું છે, તેના પ્રકારો, ઇન્સ્યુલિન અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સની ભૂમિકા, પ્રી-ડાયાબિટીસ, જોખમી પરિબળો અને શરૂઆતનાં ચેતવણીરૂપ લક્ષણો વિશે સમજાવાયું હતું. સાથે જ, બ્લડ શુગર અને HbA1c જેવા આરોગ્યના માપદંડોનું મહત્ત્વ, સમયસરતપાસ અને નિયમિત મોનિટરિંગની જરૂરિયાત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સંતુલિત આહાર, નિયમિત શારીરિક પ્રવૃત્તિ, સ્ટ્રેન્થ ટ્રેનિંગ, પૂરતી ઊંઘ અને તણાવનું સંચાલન જેવી જીવનશૈલીની આદતો ડાયાબિટીસના જોખમને ઘટાડવામાં અને તેના નિયંત્રણમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે છે તે પણ સમજાવવામાં આવ્યું હતું. આ વેબિનારનો ઉદ્દેશ કર્મચારીઓમાં ડાયાબિટીસ અંગે જાગૃતિ વધારવા ઉપરાંત તેમને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ બનાવવા અને સમયસર જરૂરી પગલાં લેવા પ્રેરિત કરવાનો હતો. કર્મચારીઓ પોતાના સ્વાસ્થ્યના માપદંડો સમજે, જોખમી પરિબળોને ઓળખે અને રોજિંદા જીવનમાં સ્વસ્થ આદતો અપનાવી શકે તે દિશામાં આ સત્ર ઉપયોગી રહ્યું હતું. વાઘોડિયા GIDC ખાતે છેલ્લા 35 વર્ષથી કાર્યરત શંકર પેકેજિંગ્સ લિમિટેડ ભારતની અગ્રણી FIBC (Flexible Intermediate Bulk Container)ઉત્પાદક કંપનીઓમાંની એક છે.
