વાઘોડિયાના કમલાપુરા ગામમાં સિદ્ધિ વિનાયક હોમ્સના એક ભાડાના મકાનમાં હાઇટેક પદ્ધતિથી ચાલતા ઓનલાઈન જુગારધામ પર જિલ્લા LCB એ ગઈકાલે રેઈડ કરી હતી. ઓેનલાઈન GET-ID મારફ્તે હાર-જીતનો જુગાર રમાડતા 5 શખસોને રંગેહાથ ઝડપી લીધાં હતાં. પોલીસે લેપટોપ, 11 ફોન, સોનેટ કાર અને રોકડ રકમ મળી કુલ રૂા. 7,37,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
કમલાપુરા ગામમાં સિદ્ધિ વિનાયક સોસાયટીના અન્ડરન્સ્ટ્રક્શન છ-28 નંબરના ભાડાના મકાનમાં કોમ્પ્યૂટર ઓપરેટરોને નોકરીએ રાખી ઓનલાઈન આઈ.ડી.થી જુગાર રમાડવામાં આવતો હતો.
જેની બાતમી મળતા ગઈકાલે જિલ્લા LCBની ટીમે તે મકાન પર રેઈડ પાડી હતી. પોલીસ ટીમે મકાનમાં પ્રવેશતા પ્રથમ માળેથી કોમ્પ્યૂટર ઓપરેટરોને લેપટોપ અને મોબાઈલ સ્ક્રીન પર GET-ID નામનીઓનલાઈન આઈ.ડી. અને emp.adminpay1.net નામની વેબસાઈટ મારફ્તે ગ્રાહકો પાસે ઓનલાઈન પૈસા ડિપોઝિટ અને વિથડ્રો કરાવી જુગાર રમાડતા ઝડપી પાડયા હતા.
પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, વડોદરાના નિકુંજ પટેલ અને શિનોરના નિર્મલ પટેલે આ ઘર ભાડે રાખ્યું હતું. તેઓ 14 ટકાના ભાગીદાર રાજેશ ઉર્ફે રાજુ વિહોલ સાથે મળીને મહિને રૂા.20થી 25 હજારના પગાર કોમ્પ્યૂટર ઓપરેટરો રાખી ઓનલાઈન જુગારનું નેટવર્ક ચલાવતા હતા.
પોલીસને સ્થળ પરથી જુગાર રમાડવાના સાધનો તેમજ નાણાકીય હિસાબોની એન્ટ્રીવાળી ડાયરી પણ મળી હતી.LCBએ સ્થળ પરથી 14 ટકાનો ભાગીદાર રાજેશકુમાર ઉર્ફે રાજુ અમરતભાઇ વિહોલ (રહે. સમા), ઓપરેટર સંજયસિંગ ચંદનિંસગ કછવાહા (રહે. મધ્યપ્રદેશ), ઓપરેટર રોહીતભાઇ રમેશભાઇ પ્રજાપતી (રહે. પાટણ), ઓપરેટર ગ્યાનસિંગ રામચરણ વર્મા (રહે. ઉત્તરપ્રદેશ) અને હિસાબ રાખનાર રાકેશભાઇ ગોરધનભાઇ મેતલીયા (રહે. સુરતને ઝડપી લીધા હતાં. પોલીસે ત્રણ લેપટોપ, વાઈફાઈ રાઉટર, ઈન્વર્ટર બેટરી, લેપટોપ સ્ટેન્ડ, ચાર્જર, બેગ હિસાબી ચોપડો, 11 ફોન, એક કાર અને રોકડ રકમ મળી કુલ રૂા.7,37,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ મામલે વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે જુગાર અટકાયતી અધિનિયમની કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ LCBના PSI એચ.પી. ચૌહાણને સોંપાઈ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો