કોર્પોરેશનની વહિવટી અને ચૂંટાયેલી પાંખની અણઆવડત તથા ઈચ્છાવૃત્તિના અભાવે શહેરમાં સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસી મંજૂર થતી નથી અને આજે શહેર દબાણરૂપી ભરડામાં ધકેલાઈ ગયુ છે. જેમાં ઐતિહાસીક ન્યાય મંદિર ઈમારત પણ દબાણોથી ઘેરાઈ ગઈ છે. મદનઝાંપા રોડ પર તો રીતસરનો દબાણોએ કબજો કરી લીધો છે, પરંતુ દબાણ શાખાના ડાયરેક્ટર મંગેશ જયસ્વાલને આ બધુ દેખાતુ નથી?સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરીને શહેરીજનોને પીવાના પાણી માટે પણ વલખાં મારવા પડતા હોય તેવી શહેરીજનોની હાલત છે. સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસીના 2012થી કોઈ ઠેકાણા નથી. 13-13 વર્ષ થઈ ગયા હોવા છતાં પણ સત્તા પર બેઠેલાઓ દર વખતે માત્ર વાતો કરે છે, પરંતુ અમલવારીના નામે લોકોને હથેળીમાં ચાંદ બતાવે છે. વિકાસના બણગાં ફૂંકતા સત્તાધીશોને આ પોલિસીના અમલમાં જાણે કોઈ રસ જ ન હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે.
ઐતિહાસીક ન્યાય મંદિર ઈમારતમાં કોર્ટ કાર્યરત હતી, ત્યાંથી તે કોર્ટ દિવાળીપુરા ખાતે શિફ્ટ થયા પછી પણ ન્યાય મંદિર ઈમારતની બહાર વાહનો પાર્ક કરાય છે અને એવા આડેધડ પાર્ક કરાય છે કે રસ્તો રોકાઈ જાય છે. એટલુ જ નહીં, દૂધવાલા મહોલ્લા પાસે પણ આ જ રીતે વાહનો પાર્ક કરી દેવાય છે. તેમજ મદનઝાંપા રોડ પર સાઈકલ બજાર આવેલુ છે, જ્યાં ફૂટપાથ પર તો દુકાનદારોએ કબજો કરી લીધો છે, પરંતુ તેની સાથે રોડ પર પણ સાઈકલો મૂકીને વેચી રહ્યા છે. જેથી ત્યાં રહેતા લોકોએ રોજ તે રોડ પરથી આવવા જવામાં તકલીફ પડી રહી છે. તેમ છતાં તે દબાણો હટાવાતા નથી. જે દબાણોને રાજકીય આગેવાનો અને દબાણ શાખાના સંબંધીત વ્યક્તિઓના છૂપા આર્શિવાદ હોવાની વાતો હવે સ્થાનિકોમાં થવા લાગી છે.
શહેરમાં દબાણો ન થાય તેની જવાબદારી દબાણ શાખાની છે, પરંતુ દબાણ શાખા ચુનિંદી જગ્યાએથી થોડો સામાન જમા લઈ લે છે અને પોતાની કામગીરીનો સંતોષ માની રહી છે. દબાણ શાખાના ડાયરેક્ટર મંગેશ જયસ્વાલ આ દબાણો વિશે સારી રીતે જાણે છે, પરંતુ તેમ આ દબાણો હટાવતા નથી ? તેને લઈને સવાલો ઉઠી રહ્યાં છે.
કીર્તિ સ્થંભ, ખંડેરાવ માર્કેટ આસપાસ લારીઓ પર હપ્તાનું રાજકારણ
રાજમહેલના ગેટની સામેના જ ભાગે કીર્તિ સ્થંભ આવેલુ છે. જ્યાં અડ્ડા-પુલાવ, ચાઈનીઝ સહિતની વિવિધ લારીઓ છે. આવી જ રીતે, ખંડેરાવ માર્કેટ અને તેની આસપાસમાં પણ લારીઓ, પથારા સહિતના દબાણો છે. કોર્પોરેશનમાં પ્રવેશવાના ગેટની બહાર જ લારીઓ ગેરકાયદે રીતે ઊભી છે. કોર્પોરેશનમાં જવુ હોય તો પહેલા લારીઓ ક્રોસ કરવી પડે છે ત્યારે રોજ કોર્પોરેશનમાં જતા અધિકારીઓને આ દેખાતુ નથી ? કેમ તેઓ આ દબાણો હટાવતા નથી. ખુદ કોર્પોરેશનની બિલ્ડીંગની ત્રણ બાજુએ દબાણોની ભરમાર છે. આ દબાણો હટાવવા માટે અધિકારીઓ કેમ હિમ્મત ભેગી કરી શકતા નથી ? લારી-ગલ્લા-પથારાના દબાણોમાં હપ્તાખોરીનુ રાજકારણ ચાલતુ હોવાની સ્થાનિક કક્ષાએ ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ચૂંટાયેલા કોર્પોરેટરો અને અધિકારીઓ આ દબાણોને કાયમી ધોરણે કેમ ઉખેડી નાખતા નથી ?
ચાર દરવાજા વિસ્તારોમાં દબાણોનું સામ્રાજ્ય, વોર્ડ કચેરીની આંખે ગાંધારી પાટા
મંગળબજાર, નવાબજાર, વાસણ બજાર સહિતના બજારો તેમજ ચાર દરવાજા વિસ્તારમાં ચાલવાની પણ જગ્યા રહેતી નથી એટલી હદે દબાણોની ભરમાર છે, ત્યારે ચૂંટાયેલા કોર્પોરેટરો અને વોર્ડના તંત્રને આ બધુ દેખાતુ નથી ? વોર્ડ ઓફિસર મહેશ રબારી કરે છે શું ? લહેરીપુરા દરવાજાને અડીને આવેલી જૂની વોર્ડ નં.1ની કચેરી તો કોર્પોરેશને શિફ્ટ કરી નાખી પરંતુ તે જગ્યામાં દબાણોના પથારા લાગતા થઈ ગયા છે. વોર્ડ કચેરીની આંખો પર શું ગાંધારી પાંટા બાંધી દીધા છે? આખરે વોર્ડનો સ્ટાફને આ બધુ નથી દેખાતુ ?
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો