વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલા શહેરી વિકાસ વર્ષને પરિણામ સ્વરૂપ રાજ્યના નગરો અને મહાનગરો લિવેબલ સિટીઝ બન્યા છે. શહેરોના વિકાસ માટે પ્રતિ વર્ષ રાજ્ય સરકાર માતબર રકમની નાણાંકીય જોગવાઇ કરે છે. આ વર્ષે શહેરી વિકાસનું બજેટ રૂા. 24 હજાર કરોડથી વધારી રૂ. 30 હજાર કરોડ કર્યું છે. પણ, તમે ગુણવત્તાસભર કામ કરો તો પાંચ વર્ષમાં પૈસા વાપરતા થાકી જશો, તેવી સૂચક ટકોર આજે વડોદરામાં રૂા. 957 કરોડના વિકાસના કામોના લોકાર્પણ - ખાતમૂર્હત પ્રસંગે મુખ્યમંત્રીએ કરી હતી.વડોદરા મહાનગરપાલિકાના રૂ. 957 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ આજે અકોટા સર સયાજીરાવ નગરગૃહમાં યોજાયેલા કાર્યકમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું. આ કામોમાં આંતરિક માર્ગો, ગટર વ્યવસ્થાપન, વીજળીકરણ, પાણી વિતરણ સહિતના કામોનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2005માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહેરી વિકાસ વર્ષની શરૂઆત કરી હતી, ત્યારે શહેરી વિકાસનું સમગ્ર રાજ્યનું બજેટ માત્ર રૂા. 500 કરોડ હતું. આજે માત્ર વડોદરા જેવા એક જ શહેરમાં એક જ દિવસમાં રૂા. 957 કરોડ રૂપિયાના વિકાસ કામો થઈ રહ્યાં છે. હાલમાં શહેરી વિકાસ વર્ષ ઉજવવાની સાથે બજેટની પણ જોગવાઈ એટલી કરી છે કે, તમને ક્યાંક તકલીફ પડે નહીં. માત્ર તમે કામ કરો તો, ક્વોલિટી વાળા કરો, તમે પાંચ વર્ષમાં પૈસા વાપરતા થાકી જશો કે, હવે, ક્યાં શું કરવું? આજથી તમે કામોનું લીસ્ટ બનાવાનું શરૂ કરો કે, આમને (સરકાર) થકવાડી દેવા છે, તો પણ અમને વાંધો નથી.આજે છેવાડાના માનવી અને આદિવાસી વિસ્તારોમાં પણ પરિવર્તન આવ્યું છે. જે વિસ્તારોમાં અગાઉ વિજ્ઞાન પ્રવાહની કોલેજો નહોતી, ત્યાં આજે 11 જેટલી મેડિકલ કોલેજો કાર્યરત છે.
મુખ્યમંત્રીએ ગુણવત્તાસભર કામ કરવા પર ભાર મૂકતાં ઉમેર્યું કે, સરકાર પાસે બજેટની કોઈ કમી નથી, બસ પ્રજાની સુખાકારી માટે શ્રેષ્ઠ આયોજન અને અમલીકરણ જરૂરી છે. અંતે મુખ્યમંત્રીએ સ્વચ્છતા સારી રહે છે? તેવો સવાલ પણ કર્યો હતો. કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીએ મહાનગર પાલિકા દ્વારા નવા ખરીદાયેલા વાહનોને લીલી ઝંડી આપી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું, 20 વર્ષ જૂના ડ્રેનેજના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું
વડોદરા શહેરમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું સાશન છે, તેમ છતાં હજૂ પણ અનેક સ્થળોએ પાણી - ડ્રેનેજની સમસ્યા યથાવત છે. લોકોને પીવાના પાણી માટે મોરચા કાઢવા પડે છે. ડ્રેનેજના યોગ્ય કનેક્શન નહીં હોવાથી આજે પણ વિશ્વામિત્રી નદીમાં દૂષિત પાણી ઠલવાય છે. પરિણામે નદી પણ ગટર ગંગા બની છે, ત્યારે 20 વર્ષ જૂના ડ્રેનેજના પ્રશ્નો હવે ઉકેલાઈ રહ્યાં છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આજે લોકાર્પણ થતાં ડ્રેનેજના 20 વર્ષ જૂના પ્રશ્નોનું નિરાકરણ આવી ગયું છે. અહીં પાણીની પણ લાંબા સમયથી સમસ્યા હતી, તેના કામોના પણ લોકાર્પણ થયા છે. હવે બ્રીજના કામો પણ થવાના છે.
કડક નિર્ણયો લેવા પડે, રિવરફ્રન્ટ માટે 8 થી 10 હજાર ઝૂંપડા હટાવ્યા
દરેક કામ કરવા પાછળ દ્રષ્ટ્રી અને મક્કમતા જોઈએ. મક્તમતાની વાત કરું તો અમદાવાદનો રિવરફ્રન્ટ અહીં બેઠેલા બધાએ જોયો છે. પોલિટીકલ વીલ હોય તો જ અમુક વસ્તુઓ થઈ શકે. પોલિટીકલ વીલની વાત કરું તો રિવરફ્રન્ટમાં 8 થી 10 હજાર ઝુંપડા હતા. હવે, આ ઝુંપડાવાસીઓને શીફ્ટ કરો તો જ રિવરફ્રન્ટ બને. તે વખતે ઝુંપડાવાસીઓને પાકા મકાનો આપી પુનઃસ્થાપિત કર્યા બાદ રિવરફ્રન્ટનું નિર્માણ થયું. તે વખતે ઘણાંને એવું થતું હશે કે, આમને હટાવશું તો આપણે હટી જઈશું. પણ, લોકોની સુખાકારી માટે જે કડક નિર્ણયો લેવા પડે, તે પોલિટીકલ વીલ સાથે નરેન્દ્રભાઈએ કર્યા હતા. કેમ કે, વિકાસ માટે કોઈને કચડવામાં આવ્યા નથી.
વડોદરા હવે ગ્રીન મોબિલિટી અને ઈવી હબ તરીકે પણ ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું છે
વડોદરા હવે ગ્રીન મોબિલિટી અને ઈવી (EV) હબ તરીકે પણ ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું છે. શહેરમાં ઈવી બસ ટર્મિનલ, વેસ્ટ મેનેજમેન્ટ અને રિન્યુએબલ એનર્જીની દિશામાં થઈ રહેલા કાર્યોની તેમણે સરાહના કરી હતી. આ સાથે જ તેમણે વડાપ્રધાનના 'કેચ ધ રેન' અભિયાન હેઠળ વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ અને ભૂગર્ભ જળને રિચાર્જ કરવા તેમજ વધુ વૃક્ષો વાવવા નાગરિકોને આહવાન કર્યું હતું, જેથી ભવિષ્યમાં લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવાનો વારો જ નહીં આવે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો