વાઘોડિયા નગરપાલિકા હદ વિસ્તારમાં ખાળકુવા તેમજ ગટરનું પાણી ભરેલું ટેન્કર ખાલી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. તેમજ આ બાબતે પાલિકા દ્વારા યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા માગ કરાઈ રહી છે.
મળતી માહિતી મુજબ, પ્રાઇવેટ હોસ્ટેલ દ્વારા ખાળકુવા અને ગટરના પાણીના નિકાલ માટે કોન્ટ્રાક્ટ અપાયો હોવાનું જાણવા મળેલ છે, ત્યારે આ ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા પાલિકાના હદ વિસ્તારમાં આ ગંદા પાણીનો નિકાલ કરાઈ રહ્યો છે. આ અંગે પૂછતાં કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે, પરમિશન મેળવવા માટે નગરપાલિકાના ચીફ્ ઓફ્સિરને અરજી કરી છે. ત્યારે પાલિકા દ્વારા આ અંગે મંજૂરી આપવામાં આવી છે કે કેમ? જેવા સવાલો ખડા થઈ રહ્યા છે. જો મંજૂરી આપવામાં આવી હોય તો કયા નિયમો અને શરતોના આધારે લીમડા ગ્રામ પંચાયતમાથી નગરપાલિકા હદ વિસ્તારમાં ખાળકુવા તથા ગટરના પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે? સમગ્ર મામલે તપાસની માગ ઉઠી રહી છે.
