સાવલી તાલુકાના રાણીપુરા ગામમાં મનરેગા યોજના હેઠળ થયેલ કામોમાં કથિત ગેરરીતિ અને ભ્રષ્ટાચારના ગ્રામજનોના આક્ષેપો અને રજૂઆતને પગલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ડભોઇના TDOદ્વારા તપાસ હાથ ધરાતા ફફડાટ ફેલાયો છે.

સાવલી તાલુકાના રાણીપુરા ગામે ગ્રામજનો દ્વારા 2018થી લઈને અત્યાર સુધી મનરેગા યોજનાના કામોમાં ભ્રષ્ટાચારથયાનો આક્ષેપ કરાયો છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ, સ્થળ ઉપર કામ થયા નથી. અને 300 જેટલા નકલી જોબકાર્ડ બનાવીને નાણા ખાતામાંથી ઉપાડી લેવામાં આવ્યા છે. જ્યારે કેટલાય જોબકાર્ડ ધારકો પોતે ક્યારેય મનરેગામાં કામ કરવા ગયા નથી. બેંકમાં પણ ગયા નથી. છતાં ખાતા ખુલી ગયા છે. નાણાં ઉપડી ગયા હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. ગતરોજ આ મામલાની રજૂઆત જિલ્લા વિકાસ અધિકારીને કરાઇ હતી. તેના પગલે તપાસ અધિકારી તરીકે ડભોઇ TDOરાણીપુરા ગામે પહોંચ્યા હતા. મનરેગા હેઠળ થયેલા વિવિધ કામો તથા સ્થળોની સ્થળ તપાસ હાથ ધરી હતી.રાણીપુરા ગામના જાગૃત નાગરિક પ્રવીણસિંહ ગોહિલ દ્વારા મનરેગા હેઠળ અંદાજે રૂા. 3થી 4 કરોડના કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો કરાયા હતા. જે અંગે સાવલી TDO, વડોદરા જિલ્લા વિકાસઅધિકારી સહિતના સંબંધિત અધિકારીઓને લેખિત રજૂઆત કરાઇ હતી. જે બાદ તપાસ અધિકારી દ્વારા સ્થળ પર જઈ મનરેગા હેઠળ થયેલા કામોની ચકાસણી શરૂ કરી છે. તપાસ દરમિયાન રેકોર્ડ, મંજૂર કામો અને સ્થળ પર થયેલા કામ વચ્ચે કોઈ ગેરરીતિ છે કે, નહીં તેની તપાસ કરાઇ રહી છે. હવે તપાસના અંતે કથિત આક્ષેપોમાં કોઈ તથ્ય બહાર આવે છે કે નહીં, તેના પર સમગ્ર તાલુકાની મીટ મંડાઈ છે.