વડોદરાને ઇન્વેસ્ટમેન્ટનું હબ માનવામાં આવે છે. વડોદરાના રોકાણકારો શેર બજારની અનિશ્ચિતતાની સામે સલામત રોકાણ માટે મ્યુ ફંડની વિવિધ સ્કીમોમાં રોકાણ કરી રહ્યા છે. એસોસિએશન ઓફ મ્યુ.ફંડ ઇન ઇન્ડિયા (એએમએફઆઇ)ના જુલાઇ માસના એેસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (AUM)ના જાહેર કરાયેલા આંકડામાં વડોદરાની સ્થાન ટાયર ટુ સીટીમાં મહત્વનું ગણાવાય છે. રૂા.70,496 કરોડ વડોદરાની AUM હોવાનું બહારઆવ્યું છે. વડોદરા દેશમાં AUM ક્ષેત્રે નવમું સ્થાન ધરાવે છે.
ટોપ 10 સંપત્તિ સર્જક ટાયર ટુ સિટીમાં વડોદરાનું સ્થાન પણ આવે છે. ગત વર્ષે જુલાઇમાં વડોદરાનું રોકાણ (AUM) રૂા.58,464 કરોડ હતું આમ એક વર્ષમાં જ રૂા.12032 કરોડનો ગણનાપાત્ર વધારો થયો છે. ખાસ કરીને નવા રોકાણકારો પણ મ્યુ.ફંડની વિવિધ સ્કીમમાં રોકાણ કરી રહ્યા છે.બચતોનું વિવિધ ક્ષેત્રે રોકાણ માટે પણ વડોદરા મહત્વ ધરાવે છે. વડોદરાના રોકાણકારો સટ્ટાકીય પ્રવૃત્તિ, ડબ્બા ટ્રેડિંગ જેવી પ્રવૃત્તિઓમાં ઘણા ઓછા જોવા મળી રહ્યા છે. જાહેર અને ખાનગી ક્ષેત્રની કંપનીઓના કર્મચારીઓ તથા નિવૃત્ત કર્મચારીઓ, સરકારી કચેરીઓ અને ખાનગી ક્ષેત્રે કાર્યરત વ્યક્તિઓ પણ રોકાણ માટે મ્યુ. ફંડની વિવિધ સ્કીમોને પસંદ કરે છે.
