વડોદરા હવે સાયબર માફિયા માટે મોકળું મેદાન બન્યૂ હોય તેમ લાગી રહ્યું છે. બેફામ બનેલા ડિજિટલ લૂંટારાઓ હવે કોઈ ગલી કે ચોકમાં નહીં, પરંતુ સીધા લોકોના બૅંક ખાતા સુધી પહોંચી રહ્યાં છે. ગઠિયાં ગેંગે માત્ર 24 કલાકમાં જ વધુ 7 નિર્દોષ લોકોને જાળમાં ફ્સાવી રૂા.1.71 કરોડથી વધુની રકમ સાફ્ કરી નાખી છે. આ કોઈ છુટાછવાયા બનાવો નથી, પરંતુ ગઠિયાંઓ દ્વારા ઓનલાઈન આચરવામાં આવતી સંગઠિત અને ખૂલ્લી લૂંટ છે. છેલ્લાં 7 દિવસમાં જ સાયબર ફ્રોડના ગુનાનો આંકડો કૂદકે ને ભૂસકે વધીને 30 પર પહોંચી ગયો છે, જે પોલીસ તંત્ર અને પ્રજા બંને માટે લાલબત્તી સમાન છે. સાયબર ફ્રોડની વધેલી ગતિ FIRની ગતિ કરતાં ઝડપી બની રહી છે.

જાગૃતિ અભિયાન, હેલ્પલાઇન અને સાવચેતીના સંદેશાઓ વચ્ચે પણ ઠગો સતત નવા શિકાર શોધી રહ્યાં હોવાથી પોલીસ ચોપડે ફરિયાદોનો આંકડો વધી રહ્યો છે. ગઠિયાંઓએ પોતાની માયાજાળમાં લોકોએ ફસાવી સાત જ દિવસમાં પોતાની પરસેવાની કમાણીના અધધ.. રૂા. 4.01 કરોડ ગુમાવી દીધાં છે. લોકોની વર્ષોની બચત ગણતરીની મિનિટોમાં ગાયબ થઈ હોવાથી આ હવે માત્ર સાયબર ફ્રોડ નથી પણ સંગઠિત ડિજિટલ લૂંટ છે.