શિનોર રાણાવાસ સ્થિત અંબાજી મંદિરે મા અંબાના પ્રાગટય દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી. મા અંબાની પ્રતિમા સાથે ભવ્ય શોભાયાત્રા બાદ મા અંબાની મહાઆરતી અને બાળાઓ પાસે કેક કપાવી હતી. જે પ્રસંગે ગામના મોભી આગેવાનો ગ્રામજનો અને માઈ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
શિનોર નર્મદા કિનારે રાણાવાસ સ્થિત અંબાજી મંદિરને રાણાવાસના યુવાનો દ્વારા ગઈ કાલથી મા અંબાના જન્મદિનની ઉજવણી માટે મંદિરને ધજાપતાકા અને ફુગ્ગાથી સજાવાયું હતું. આજે પોષી પૂનમ મા અંબાનો પ્રાગટય દિવસ હોય સવારથી માના દર્શન માટે માઈ ભક્તો ઊમટી પડયાં હતા. રાણાવાસના યુવાનો દ્વારા સવારે 10 કલાકે મા અંબાની પ્રતિમા લઇ ડીજે પર માં અંબાની સ્તુતિ, ભજનો સાથે સાથે આતશબાજી સાથે શોભાયાત્રા નીકળી હતી. જેમાં ગામના માઈ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રા રાણાવાસ મંદિરેથી નીકળી મેનબજાર થઇ બસ સ્ટેન્ડ રણછોડજી મંદિર પાસેથી 12 વાગે પરત આવી હતી. ત્યારબાદ મહાઆરતીનુ આયોજન હોય ગામના આગેવાન સચિન પટેલ, ઉપસરપંચ નિતિન ખત્રી સહીત ગામના આગેવાનો, મહિલાઓ અને માઈ ભક્તો ઉપસ્થિત રહી માના દર્શન અને મહાઆરતી અને પ્રસાદનો લાભ લીધો હતો. જે બાદ બાળાઓ અને ગામ આગેવાનો દ્વારા કેક કાપતા જ હેપી બર્થડે મા અંબાથી વાત્તાવારણ ગુંજી ઉઠયું હતું.










