ડભોઈ નગરપાલિકામાં કચરાપેટીઓના રંગરોગાનનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. કાટ ચઢેલી કચરાપેટીઓ અંગે 'સંદેશ' દૈનિકમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ નગર પાલિકા તંત્ર સફાળું જાગ્યું હોય તેમ કચરાપેટીઓને નવા રંગથી રંગવાની કામગીરી હાથ ધરાઇ છે.

લાંબા સમયથી કાટ ખાઈ રહેલી કચરાપેટીઓને જાણે નવી દુલ્હનની જેમ સજાવાઇ રહી છે. પરંતુ આ કામગીરી પાછળના હુકમ અને ખર્ચને લઈને સવાલો ઊભા થયા છે. આ કામગીરી અંગે નગરપાલિકાના સેનેટરી ચેરમેનને પૂછવામાં આવતાં કચરાપેટીઓનું રંગરોગાન કોણ કરાવી રહ્યું છે. તેની તેમને જાણ ન હોવાનું સામે આવ્યું હોવાનું જાણવા મળે છે. ત્યારે નગરપાલિકાના તંત્રમાં જ જો સંબંધિત ચેરમેનને કામગીરીની જાણ ન હોય તો આ કામ કોના આદેશથી શરૂ કરાયું છે તેવો પ્રશ્ન નાગરિકોમાં ચર્ચાઈ રહ્યો છે.

કચરાપેટીના રંગરોગાન પાછળ કેટલો ખર્ચ કરાયો છે. આ કામ માટે પાલિકાની મંજૂરી લેવાઇ છે કે નહીં ? જો કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરાઇ હોય તો તે કયા કરાર હેઠળ કરાય છે ? જો કોઈ અધિકારીના આદેશથી કામ શરૂ થયું હોય તો તેની લેખિત મંજૂરી ક્યાં છે ? તેવા સવાલો ઊભા થયા છે. હવે જોવાનું રહે છે કે, ડભોઈ નગરપાલિકા આ સમગ્ર મામલે સ્પષ્ટતા કરે છે કે, નહીં. રંગરોગાનનો ખર્ચ નગર પાલિકાની તિજોરીમાંથી ચૂકવાશે કે, કોન્ટ્રાક્ટર અથવા અન્ય કોઈ દ્વારા ભોગવાશે, તે અંગે સત્તાવાર ખુલાસો થવો જરૂરી છે. જાહેર નાણાંના ખર્ચમાં પારદર્શિતા જળવાય અને કામની જવાબદારી નક્કી થાય તેમાટે નગરપાલિકા તંત્રે સ્પષ્ટતા કરવી જોઈએ.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો