દોઢ મહિનાના લાંબા વિરામ બાદ આખરે ડેસર તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં ખેડૂતો સહિત સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાયો છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. પરંતુ ડેસર પંથક લાંબા સમયથી વરસાદથી વંચિત રહ્યું હતું. જેના કારણે કપાસ, દિવેલા, ડાંગર સહિતના પાકો અંગે ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી.ગુરુવારે દિવસભર કાળા ડિબાંગ વાદળો છવાયેલા રહ્યાં છતાં વરસાદ વરસ્યો નહોતો. જોકે, રાત્રે લગભગ 10 વાગ્યાથી વહેલી સવારે 4:15 વાગ્યા સુધી ભારે પવન સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં આશરે 65 મીમી વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં તાલુકામાં કુલ 67 મીમી વરસાદ નોંધાયો છે. આ વરસાદ વાવણીલાયક સાબિત થતાં ખેતરોમાં વાવેલા કપાસ, દિવેલા, ડાંગર સહિતના પાકોને જીવતદાન મળ્યું છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળે છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગરમી તથા બફરાથી લોકોને પણ રાહત મળી છે. ડેસર તાલુકામાં ચાલુ ચોમાસા દરમિયાન અત્યાર સુધી કુલ 257 મીમી વરસાદ નોંધાયો હોવાનું સત્તાવાર માહિતીમાં જણાવાયું છે.
