શહેરની એમ. એસ. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં ડિપાર્ટમેન્ટના વડાના કથિત ત્રાસથી હતાશ થયેલીવિદ્યાર્થિની માનસિક સંતુલન ગુમાવી બેસતાં મામલો બિચક્યો છે. હું સ્યૂસાઈડ કરી લઈશ તેવી વાતો કરતાં ગંભીર ડિપ્રેશનમાં સરી પડેલી વિદ્યાર્થિનીને યુનિવર્સિટી હેલ્થ સેન્ટરમાં લઈ જઈને સારવાર અપાવવી પડી હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. સંવેદનહિનતાની હદ તો ત્યારે વટલાઈ જ્યારે કૅમ્પસ હેલ્થ સેન્ટર ખાતે કરાયેલી સારવાર અને પ્રિસ્ક્રિપ્શન સહિતના મેડિકલ પૂરાવા રજૂ કરવા છતાં સંબંધિત વિભાગના વડાએ સહાનુભૂતિ દાખવવાને બદલે આ તો બધા ભણવું નથી એટલે નાટક કરે છે તેવું અપમાનજનક વલણ અખત્યાર કર્યું હતું. MSUની આર્ટ્સ ફેકલ્ટીના એક ડિપાર્ટમેન્ટમાં સતત સર્જાતા શૈક્ષણિક દબાણ અને આંતરિક ત્રાસના પગલે વિદ્યાર્થિની એટલી હદેમાનસિક તણાવમાં આવી ગઈ છે કે તેની માનસિક સ્થિતિ અત્યંત જોખમી બની ગઈ હતી. વિદ્યાર્થિની ભાંગી પડતાં તેને તાબડતોબ યુનિવર્સિટી હેલ્થ સેન્ટર ખાતે પ્રાથમિક તબીબી સારવાર આપવી પડવાની ફરજ પડી હતી. એક પ્રોફેસર વિદ્યાર્થિનીને હેલ્થ સેન્ટરમાં લઈ ગયા હતાં. યુનિવર્સિટી કૅમ્પસના જ હેલ્થ સેન્ટરમાં આ સમગ્ર મામલો નોંધાયો હોવા છતાં સત્તાધીશો દ્વારા કોઈ નક્કર પગલાં ભરવાને બદલે માત્ર સાઈકોલોજી વિભાગ મારફ્તે ઔપચારિક કાઉન્સેલિંગ કરાવીને પ્રકરણ પર પડદો પાડી દેવાની કવાયત હાથ ધરાઈ હોવાની ચર્ચાએ જોર પકડયું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો