13
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત હાથ ધરાયેલા પ્રોજેક્ટમાં વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના વિવિધ ગામડાઓના કામના બીલ મંજુર કરવા માટે શિનોર તાલુકા પંચાયતના મહિલા સિવીલ એન્જિનિયરે બીલની રકમના 9 % ની લાંચ માંગી હતી. મહિલા અધિકારી જાતે લાંચ લેવા માટે આવવાના હતા. પરંતુ છેલ્લી ઘડીએ કરજણ ખાતે સરકારી મિટીંગનું આયોજન થતાં તેમણે વચેટિયાને મોકલ્યો હતો. એ.સી.બી.ની ટીમે આજે મંગળવારે બપોરે ફતેગંજ સેફ્રોન ટાવર પાસે બેંક ઓફ બરોડા નજીક છટકું ગોઠવીને વચેટિયાને કોન્ટ્રાક્ટર પાસેથી રૂ. 25,000ની લાંચ સ્વિકારતા રંગેહાથ ઝડપી લીધો હતો. મહિલા અધિકારી સામે પણ એ.સી.બી.ના કાયદા હેઠળ ગુનો નોંધાયો છે અને તલસ્પર્શી તપાસ શરુ કરવામાં આવી છે.
એ.સી.બી. સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આ કિસ્સામાં ભોગ બનનાર ફરિયાદી સિવીલ કોન્ટ્રાક્ટર છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વડોદરા જિલ્લના શિનોર તાલુકાના વિવિધ ગામોમાં વિવિધ પ્રોજેક્ટ હેઠળ કામ કર્યા હતા. જે કામોનું ટોટલ બિલ રૂ. 2,97,500 થયું હતું. શિનોર તાલુકા પંચાયતના સિવીલ એન્જિનિયર નિધિબેન રમેશભાઈ તડવીએ બિલ ચુકવવા માટે બિલની રકમના 9 ટકા લેખે રૂ. 25 હજારની લાંચની માંગણી કરી હતી. આ માંગણી ઉપર અડગ રહીને તેમણે બીલ અટકાવી રાખ્યુ હતુ. નાણાંની વસુલાત માટે ફોન ઉપર ઉઘરાણી કરીને પરેશાન કરતા હતા. ફરિયાદીએ એ.સી.બી.માં લેખિત ફરિયાદ આપી હતી.
શિનોર તાલુકા પંચાયત સ્વચ્છ ભારત મીશનના સિવીલ એન્જિનિયર નિધિબેન રમેશભાઈ તડવી લાંચની રકમ લેવા માટે મંગળવારે બપોરે ફતેગંજ સેફ્રોન ટાવર નજીક બી.ઓ.બી. પાસે આવવાના હતા. છેલ્લી ઘડીએ સરકારી મિટીંગનું આયોજન થતાં નિધિબેન તડવી કરજણ ગયા હતા અને તેમણે વચેટિયા આશુતોષ ઉમાકાંત પાઠકને આ કામ સોંપ્યુ હતુ. એ.સી.બી.એ મંગળવારે બપોરે આશરે 1 વાગે ફતેગંજ સેફ્રોન ટાવર સામે બેંક ઓફ બરોડા પાસે છટકું ગોઠવ્યું હતુ અને સિવીલ એન્જિનિયર નિધિ તડવી વતી લાંચની રકમ લેવા માટે આવેલાં વચેટિયા આશુતોષ ઉમાકાંત પાઠકની લાંચની રકમ રૂ. 25 હજાર સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો