ડભોઇ તાલુકાના કુંઢેલા ખાતે રેલવે ફાટક પર નિર્માણ થનાર અંડરપાસની કામગીરી લાંબા સમયથી ખોરંભે પડેલી હતી. જેને ધ્યાનમાં રાખી ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ અધિકારીઓની ટીમ સાથે સ્થળ મુલાકાત લીધી હતી. ધારાસભ્યએ અંડરપાસના નિર્માણ કાર્યની પ્રગતિ અંગે સમીક્ષા કરી હતી. તેમજ કામગીરીમાં પડતી મુશ્કેલી અને તેને આગળ ધપાવવા અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. સ્થળ મુલાકાત દરમિયાન ધારાસભ્યે રેલવેના અધિકારીઓને અંડરપાસના નિર્માણ કાર્યને લઈને જરૂરી સૂચના આપી હતી. લાંબા સમયથી અટવાયેલા આ કામને આગળ ધપાવી વહેલી તકે પૂર્ણ કરવા માટે સંબંધિત તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવા અંગે પણ ભાર મૂક્યો હતો. કુંઢેલા રેલવે ફાટક પર અંડરપાસનું નિર્માણ પૂર્ણ થવાથી સ્થાનિક ગ્રામજનોને અવર-જવરમાં મોટી રાહત મળશે. ખાસ કરીને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ્ ગુજરાત સુધી અવરજવર કરતા વિદ્યાર્થીઓ, કર્મચારીઓ તેમજ અન્ય નાગરિકોને વધુ સુરક્ષિત અને સરળ મુસાફરીની સુવિધા ઉપલબ્ધ થશે. ઉપરાંત રેલવે ફાટકને કારણે ઊભી થતી અવરજવરની મુશ્કેલીમાં પણ ઘટાડો થવાની આશા છે.
