શહેરના મંદિરોમાં જન્માષ્ટમી-નંદ મહોત્સવની ઉજવણી દરમિયાન વૃંદાવન જેવો અલૌકિક માહોલ સર્જાયો હતો. જન્માષ્ટમીની મધરાતે ફટાકડાના ધૂમધડાકા-આકાશી આતશબાજી સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્યતા-દિવ્યતા સાથે ભાવસભર ઉજવણી કરાઇ હતી.
પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી દરમિયાન ભજન સંધ્યા, ભક્તિ-સંગીત, સત્સંગ-નૃત્ય સાથે શાનદાર-જાનદાર ઉજવણી કરાઇ હતી. શહેરભરના મંદિરોમાં મધરાતે આનંદ-ઉલ્લાસના ઓઘ સાથે નંદ ઘેર આનંદભયો, જય કનૈયાલાલકી. હાથી ઘોડા-પાલખી જય નંદ લાલકીના ગગનભેદી જયઘોષ સાથે ફટાકડાના ધૂમધડાકા-આકાશી આતશબાજીએ મેઘધનુષી માહોલ સર્જ્યો હતો. ભક્તોએ શ્રીપ્રભુને પંચામૃત અભિષેક કરી માખણ-મિસરી, પંજરી-મેવા-મીઠાઇ સહિતનો ભોગ ધરાવ્યો હતો. કેટલાક મંદિરોમાં ભક્તોએ સાત્વિક કેક કાપી જન્મોત્સવ મનાવ્યો હતો. શહેરના ગોત્રી-ઇસ્કોન મંદિરમાં બે દિવસીય મહોત્સવ દરમિયાન 75,000 કરતા વધુ ભક્તો ઉમટયા હતા. ઇસ્કોન મંદિરના પ્રાંગણમાં રાતે 11.45 કલાકથી શરૂ કરાયેલી આતશબાજી રાતે 1 કલાક સુધી જારી રહી હતી. ભગવાનના ચરણ પખાળવા સવારે 4.30 સુધી ભક્તોનો ધસારો અવિરત જારી રહ્યો હતો. પારણાંના પર્વે સવારે 7.30 કલાકે શ્રુંગાર દર્શન-મંગલા દર્શન બાદ બપોરે 12 કલાકે ભોગ ધરાવાયો હતો. શહેરના માંજલપુર-વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં યોજાયેલા શ્રીકૃષ્ણ જન્મોત્સવ-નંદ મહોત્સવમાં હજારો વૈષ્ણવો, સાંસદ ડો.હેમાંગ જોષી, શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર સહિત વિવિધક્ષેત્રના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શ્રીકૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે મધુર ભજનો-કીર્તનો સાથે મધરાતે પંચામૃત દર્શનનો લાભ લઇ વૈષ્ણવોએ ધન્યતા અનુભવી હતી. ઉલ્લેખનીય છે કે શહેરભરના વિવિધ વિસ્તારોમાં નંદ મહોત્સવ પ્રસંગે મટકીફોડના દિલધડક કાર્યક્રમોએ રંગત જમાવી હતી.
