નવરાત્રી મહોત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આજે શહેરના પરંપરાગત ખરીદી કેન્દ્ર નવા બજાર ખાતે સવારથી જ ભારે ભીડ જોવા મળી હતી. નવા બજારમાં ઇમિટેશન જ્વેલરી, ચણીયા ચોળી, કુર્તા સહિતની ચીજોની ખરીદીની સાથે સાથે આ માર્ગ ઉપર ચાલવાની પણ જગ્યા ન મળે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

ખેલૈયાઓએ આ નવરાત્રી પર્વને ઉત્સાહ પૂર્વક ઉજવવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ ખરીદી ગઇકાલે શનિવારે અને આજે રવિવારે રજા હોઇ હવે ભારે ધસારો રહ્યો હતો. ગળાનો સેટ, પાયલ, પાટલા,વિંટી, કંદોરાની વિવિધ વેરાયટીઓ પણ બજારમાં આવી હોઇ ખૈલેયાઓને ખરીદીની પસંદગી માટે વધુ વિકલ્પો જોવા મળ્યા હતા. કેટલીક ચીજોમાં ભાવ વધારો થયો હોવા છતાં તેની અસર ખરીદી પર જોવા મળી ન હતી. નવા બજાર ખરીદી નિકળતા ચાર દરવાજા વિસ્તારમાં પણ ટ્રાફિકની સમસ્યા જોવા મળી હતી. રાવપુરા જ્યુબિલી બાગ, કારેલીબાગ પોલીસ સ્ટેશન, ન્યાય મંદિર સહિતના વિસ્તારોમાં પણ ટુ વ્હિલર અને ફોર વ્હિલરને પાર્ક કરવા માટે જગ્યા રહી ન હતી. બીજી તરફ આડેધડ પાર્કિંગની ફરિયાદો પણ ઉઠી હતી.