શક્તિ, ભક્તિ અને આસ્થાના પર્વ નવરાત્રિના આગમન સાથે જ કરજણમાં ગરબા રમવા માટે ખેલૈયામાં ઉત્સાહ જોવા મળે છે. આજથી શરૂ થનારા નવલી નવરાત્રિના પર્વને યાદગાર બનાવવા માટે શ્રી રંગનાથ ફાઉન્ડેશન આયોજિત કરજણ નવરાત્રી ફેસ્ટિવલના આધુનિક ગરબા ગ્રાઉન્ડને આખરી ઓપ આપી દેવાયો છે.
આ વખતે કરજણના ખેલૈયાઓને ગરબાનો એક નવો અને ભવ્ય અનુભવ મળે તે હેતુથી વિશેષ આયોજન કરાયું છે. વડોદરા શહેરમાં મોટા ગરબા મહોત્સવ માટે તૈયાર કરવામાં આવતા ભવ્ય મેદાનની તર્જ પર કરજણમાં પણ આકર્ષક અને આધુનિક ગ્રાઉન્ડ તૈયાર કરાયું છે.
આ આયોજનથી કરજણ સહિત આસપાસના વિસ્તારોના યુવાધનમાં નવરાત્રિને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.LEDસ્ક્રીન અને સેલ્ફી પોઇન્ટ બનશે આકર્ષણનું કેન્દ્ર, ગરબા ગ્રાઉન્ડને આધુનિક લુક આપવા માટે LED સ્ક્રીન સિહતની વિશેષ વ્યવસ્થા કરાઇ છે. યુવાધનને આકર્ષવા માટે વિવિધ આકર્ષક સેલ્ફી પોઇન્ટ પણ તૈયાર કરાયા છે. ભવ્ય સજાવટ અને આધુનિક સુવિધા સાથે તૈયાર થયેલું આ મેદાન ખેલૈયાઓને યાદગાર નવરાત્રિનો અનુભવ કરાવશે તેવી આશા છે.
કરજણ નવરાત્રી ફેસ્ટિવલમાં ગરબાની રમઝટ બોલાવવા માટે જાણીતા ગુજરાતી કલાકારોના વૃંદને આમંત્રિત કરાયા છે. જેમાં ધ્વનિત જોશી, નમ્રતા શાસ્ત્રી અને પ્રયાગ જોશી સહિતના કલાકારો પોતાની આગવી શૈલીમાં ખેલૈયાઓને ગરબે રમાડશે. કરજણમાં નવરાત્રિનો માહોલ જામશે અને ખેલૈયાઓના ઉત્સાહ સાથે ગરબાની રમઝટ બોલશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
