ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદા નદીમાં નવા નીરના દર્શન થઈ રહ્યા છે, ત્યારે ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાણોદ અને કરનાળીમાં પણ નર્મદા નદીમાં નવા પાણીની આવક જોવા મળી રહી છે, જેના પગલે શ્રાદ્ધાળુઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

છોટાઉદેપુર જિલ્લામાં ચાલુ સીઝનનો સારો વરસાદ નોંધાયો છે, જેના પરિણામે વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તરીકે ઓળખાતા પવિત્ર તીર્થક્ષેત્ર ચાણોદ (ચાંદોદ) અને કરનાળીમાંથી વહેતી નર્મદા નદીમાં નવા નીરની આવક થઈ છે. પ્રથમ વખત નવા નીરની આવક ચાલુ ચોમાસાની સીઝનમાં પ્રથમવાર નર્મદા નદીમાં નવા પાણી આવ્યા છે, જેને પગલે સમગ્ર પંથકવાસીઓ અને શ્રાદ્ધાળુઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુરના સંખેડા તાલુકા સહિતના ઉપરવાસના (કેચમેન્ટ) વિસ્તારોમાં ભારે વરસાદ થતાં, ઉચ્છ અને ઓરસંગ નદીના પાણી વહીને નર્મદા નદીમાં પહોંચ્યા છે. નર્મદા નદીમાં નવા પાણીની વહેણ સાથે આવક થવાને કારણે નર્મદાના શુદ્ધ જળ જોવા મળી રહ્યા છે. ચાણોદ-કરનાળી ત્રિવેણી સંગમ અને પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું મોટું તીર્થક્ષેત્ર છે. અહીં નર્મદા નદીમાં નવા નીર આવતા જ ઘાટની સુંદરતા વધી ગઈ છે અને સ્થાનિક નાવિકો તેમજ વેપારીઓમાં પણ આનંદ વ્યાપી ગયો છે.