વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાંથી એક અત્યંત વિચિત્ર અને કાળજું કંપાવી દેનારો અકસ્માત સામે આવ્યો છે. ગોત્રી સ્થિત 'કન્ટેનર ફૂડ ઝોન પાર્ક' ખાતે અચાનક ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટ્યો હતો. આ સિલિન્ડર લાંબા સમયથી કાળઝાળ તડકામાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તડકાની અતિશય ગરમીના કારણે સિલિન્ડરમાં પ્રેશર વધી ગયું હતું અને તે અચાનક બ્લાસ્ટ થયો હતો. આ ભયાનક ધડાકાના કારણે આસપાસના લોકોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી.

નજીકમાં વેલ્ડિંગનું કામ ચાલતું હતું

ઘટના સમયે ફૂડ ઝોન પાર્કની બિલકુલ નજીકમાં જ વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું, જ્યાં શ્રમિકો મજૂરી કામ કરી રહ્યા હતા. સિલિન્ડરમાં બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તે હવામાં ફંગોળાઈને સીધો ત્યાં કામ કરી રહેલા બે શ્રમિકો પર જઈને પડ્યો હતો. આ દુર્ઘટનામાં 36 વર્ષીય શ્રમિક મુકેશગિરીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે કામ કરી રહેલો ધર્મેન્દ્ર ગિરી નામનો અન્ય એક શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્ત શ્રમિકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

તડકામાં મુકેલા સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં સર્જાઈ વિચિત્ર ઘટના

બપોરના સમયે બનેલી આ કરુણ ઘટનાની જાણ થતાં જ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક મુકેશગિરીના શબને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. તડકામાં સિલિન્ડર રાખવામાં આવ્યો હોવાથી આ દુર્ઘટના સર્જાઈ કે વેલ્ડિંગના તણખાના કારણે બ્લાસ્ટ થયો, તે તમામ પાસાઓ પર લક્ષ્મીપુરા પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે. ફેક્ટરી કે ફૂડ પાર્ક સંચાલકોની કોઈ બેદરકારી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો