વડોદરા શહેરની વાડી પોલીસે એટીએમ (ATM) સેન્ટરોમાં ગ્રાહકોના પૈસા ફસાવીને ચોરી કરતી ઉત્તર પ્રદેશની એક શાતિર ગેંગનો પર્દાફાશ કર્યો છે. બેંકના એટીએમ મશીન સાથે ચેડાં કરી ગ્રાહકો સાથે છેતરપિંડી કરનારા બે રીઢા ગુનેગારોને પોલીસે રંગેહાથ ઝડપી પાડી ત્રણ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.

પતરાની ખાસ ડિવાઇસ લગાવી કેશ ફસાવતા

ઝડપાયેલા આરોપીઓની ઓળખ શૌભીત મિશ્રા અને સૂરજ તિવારી તરીકે થઈ છે. આ બંને ભેજાબાજો એટીએમ મશીનમાંથી જ્યાંથી કેશ બહાર નીકળે છે, ત્યાં લોખંડના પતરામાંથી બનાવેલી એક ખાસ પ્રકારની ડિવાઇસ ફિટ કરી દેતા હતા. આ કારણે ગ્રાહકે કરેલા ટ્રાન્ઝેક્શનની રોકડ રકમ બહાર નીકળવાને બદલે આ ડિવાઇસની અંદર જ ફસાઈ જતી હતી.

મદદ કરવાના બહાને આચરતા ચોરી

આ ગેંગના સભ્યો એટીએમ રૂમની અંદર જ હાજર રહેતા હતા અને ગ્રાહકના પૈસા ન નીકળે એટલે મશીનમાં ટેકનિકલ ખામી હોવાનું કહી તેમને રવાના કરી દેતા હતા. ગ્રાહક બહાર જાય કે તુરંત જ આ શખ્સો પોતાની ડિવાઇસ ઉખેડી તેમાં ફસાયેલી તમામ રોકડ ચોરી કરીને રફુચક્કર થઈ જતા હતા. પોલીસે સીસીટીવીના આધારે બંનેને દબોચી લીધા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો