શિનોર તાલુકાની અવાખલ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ એકતાબેન પટેલ વિરુદ્ધ ગ્રામ પંચાયતના કુલ 11માંથી 9 સભ્યે સંયુક્ત રીતે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા લેખિત દરખાસ્ત રજૂ કરતાં તાલુકાના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય છે. જે અંગેની અરજી ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રીને લેખિતમાં સોંપાઇ છે.
દરખાસ્તમાં સભ્યોએ આક્ષેપ કર્યો છે કે, સરપંચ દ્વારા ગ્રામ પંચાયતનો વહીવટ મનસ્વી રીતે કરાઇ રહ્યો છે. ગ્રામ પંચાયતના વિકાસલક્ષી કાર્યો, વહીવટી નિર્ણયો તેમજ અન્ય મહત્વના મુદ્દાઓમાં ચૂંટાયેલા સભ્યોને વિશ્વાસમાં લેવાતા નથી. અનેક નિર્ણયો સભ્યોની જાણ અને મંજૂરી વિના લેવાતા હોવાનો પણ દરખાસ્તમાં ઉલ્લેખ કરાયો છે. સભ્યોએ વધુમાં જણાવ્યું છે કે ગ્રામ પંચાયતની કામગીરીમાં પારદર્શિતાનો અભાવ જોવા મળે છે. જેના કારણે ચૂંટાયેલા સભ્યો પોતાની ફરજો યોગ્ય રીતે નિભાવી શકતા નથી. પંચાયતના વિકાસ અને જાહેર હિતના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ફરજ પડી હોવાનું સભ્યોનું કહેવું છે. અવાખલ ગ્રામ પંચાયતના કુલ 9 સભ્યો દ્વારા સંયુક્ત રીતે રજૂ કરાયેલી આ દરખાસ્તને પગલે હવે પંચાયત અધિનિયમની જોગવાઈઓ મુજબ વધુ કાર્યવાહી હાથ ધરાશે. સંબંધિત સત્તાધિકારી દ્વારા નિયત પ્રક્રિયા મુજબ બેઠક બોલાવાશે. તેમાં અવિશ્વાસ પ્રસ્તાવ અંગે નિર્ણય લેવાશે. અવિશ્વાસ પ્રસ્તાવની દરખાસ્ત રજૂ થતાં અવાખલ ગ્રામ પંચાયતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
