વજન કાંટા પરનો આંકડો સામાન્ય હોય એટલે વ્યક્તિ સંપૂર્ણપણે સ્વસ્થ છે એવું માનવું હવે જોખમી બની શકે છે. શહેરના વયસ્કોમાં હાથ ધરાયેલા એમ.એસ. યુનિવર્સિટીના એક અભ્યાસમાં સામે આવ્યું છે કે, 29.9 ટકા વયસ્કો નોર્મલ વેઇટ ઓબેસિટીની સ્થિતિ ધરાવે છે. એટલે કે તેમનું વજન અને બોડી માસ ઈન્ડેક્સ સામાન્ય હોવા છતાં શરીરમાં ચરબીનું પ્રમાણ વધુ અને સ્નાયુઓનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે.
આ સ્થિતિને સામાન્ય ભાષામાં થિન ફેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. વ્યક્તિ બહારથી પાતળી કે સામાન્ય દેખાતી હોવા છતાં તેના શરીરમાં, ખાસ કરીને પેટ અને આંતરિક અંગોની આસપાસ, ચરબીનું પ્રમાણ વધુ હોઈ શકે છે. આવી સ્થિતિ ભવિષ્યમાં ડાયાબિટીસ, હૃદયરોગ સહિતની મેટાબોલિક સમસ્યાઓનું જોખમ વધારી શકે છે.
