ડેસર તાલુકાના નવા શિહોરા ખાતે વાણિજ્ય વિનય કોલેજ બંધ થવાની આશંકાએ વિદ્યાર્થીઓ અને વાલીઓ સહિત સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં વહેલી સવારે કોલેજ પરિસરમાં પહોંચ્યા હતા. સમગ્ર મામલે પ્રિન્સિપાલ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી.
ડેસર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારો છાલીયેર, જુના સિહોરા, પ્રતાપપુરા, વરણોલી, લટવા, પાન્ડુ, સાંઢાસાલ સહિત ગામોના અનેક વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ, ઉચ્ચ શિક્ષણ માટે શિહોરા કોલેજ પર નિર્ભર છે. કોલેજ બંધ થવાની શક્યતાના અહેવાલ આગની જેમ ફેલાતા વિદ્યાર્થીમાં અસંતોષ જોવા મળ્યો હતો. વાલીઓ પણ તાત્કાલિક કોલેજ ખાતે દોડી આવીનેકોલેજના ભવિષ્ય અંગે સ્પષ્ટતા માંગતા હોબાળો મચ્યો હતો.
વાલીઓએ જણાવ્યું હતું કે, ડેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણની સુવિધા મર્યાદિત છે. જો વાણિજ્ય કોલેજ બંધ થઈ જશે તો વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મંજૂસર અથવા અન્ય શહેરોમાં જવું પડશે, જે અંદાજે 35 કિ.મી જેટલું દૂર થાય છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની વિદ્યાર્થિનીઓને આટલું અંતર કાપવું ખુબજ મુશ્કેલ બનશે. આર્થિક નબળા પરિવારો માટે દૂર શહેરોમાં શિક્ષણ મેળવવું ખર્ચાળ છે. પરિવહન, સુરક્ષા સહિતની સમસ્યાને કારણે અભ્યાસ પર સીધી અસર પડી શકે છે.
એક વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારની દીકરીઓ માટે આ કોલેજ આશીર્વાદ સમાન છે. જો અહીં કોલેજ નહીં રહે તો અનેક પરિવારો પોતાની દીકરીઓને દૂર અભ્યાસ માટે મોકલશે નહીં. અને અમારું ભવિષ્ય અંધકારમય બની જશે. નવાં શિહોરા ખાતે કોલેજ પરિસરમાં યોજાયેલી બેઠક દરમિયાન વાલીઓ અને વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ સમક્ષ પોતાની ચિંતાઓ વ્યક્ત કરી હતી. કોલેજ બંધ ન થાય તે માટે જરૂરી તમામ પ્રયાસો કરવાની માંગ કરી હતી. જો કોલેજ બંધ કરવાનો નિર્ણય લેવાશે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારાઇ હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો