પાદરા :લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે પાદરા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર પટેલની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જે પ્રસંગે કોંગ્રેસના જીલ્લા પ્રમુખ જશપાલસિંહ પઢીયાર, વિપક્ષ નેતા બળવંતસિંહ પઢીયાર, શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેન્દ્રસિંહ પરમાર, સેવાદળના વિનુભાઈ પરમાર, ભલાભાઈ જાદવ, રામભાઈ પટેલ, મનહર પટેલ સહીત આગેવાનો અને કાર્યકરોએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી દેશની આઝાદીની લડત તેમજ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવામાં તેમના ઐતિહાસિક યોગદાનને યાદ કર્યું હતું. સરદાર પટેલના જીવન, સંઘર્ષ, રાષ્ટ્રપ્રેમ અને મજબૂત નેતૃત્વમાંથી પ્રેરણા લેવાનો સંદેશ પણ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ જય સરદાર તથા ભારત માતા કી જયના નારા લગાવી સરદાર પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
