પાદરા પોલીસ દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત છેલ્લા બે વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતા આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી પાડયો હતો. જેને લઇને પોલીસ વિભાગમાં પ્રશંસાની લાગણી જોવા મળી હતી.


મળતી માહિતી મુજબ, પાદરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024માં નોંધાયેલ પ્રોહિ.ના ગુનામાં વોન્ટેડ આરોપી સુરેન્દ્રગીરી ગોરધનગીરી ગોસ્વામી, (રહે. ગલી નં. 6, રાજીવ મંગરા પુંજલા, જોધપુર (રાજસ્થાન) બે વર્ષથી પોલીસ પકડથી દૂર રહ્યો હતો. આરોપીને શોધવા માટે પાદરા પોલીસ દ્વારા સતત પ્રયાસો કરાયા હતા.

પાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.વી. ગોહિલના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. આર.એસ. મોભે ટેકનિકલ એનાલિસિસ અને સોશિયલ મીડિયા સર્વેલન્સના આધારે આરોપી સુધી પહોંચવાનો પ્લાન તૈયાર કર્યો હતો. જે મુજબ આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સતત નજર રાખી તેનો મોબાઇલ નંબર અને લોકેશન મેળવાયું હતું. તપાસમાં આરોપી જોધપુરના મંગરા પુંજલા વિસ્તારમાં હોવાની માહિતી મળતા પાદરા પોલીસની એક ટીમ રાજસ્થાન રવાના થઈ હતી. જોધપુર પહોંચ્યા બાદ આરોપીનું ચોક્કસ સરનામું શોધવું પડકારજનક બન્યું હતું, કારણ કે વિસ્તારમાં મોટી સંખ્યામાં સમાન પ્રકારના મકાનો આવેલા હતા. ત્યારે પો.સ.ઈ. આર.એસ. મોભે આગવી સૂઝબૂઝ દાખવી પોલીસ ટીમને વસતી ગણતરીના કર્મચારીઓ તરીકે કામગીરી કરવાની યોજના આપી હતી. આ વ્યૂહરચના સફ્ળ નિવડતા આશરે 8થી 10 મકાનોની ચકાસણી બાદ આરોપીના મકાન સુધી પહોંચવામાં સફ્ળતા મળી હતી. પોલીસ ટીમે વસતી ગણતરીના બહાને દરવાજો ખખડાવતા આરોપી બહાર આવ્યો હતો. તેની ઓળખની ખાતરી થતાં જ તેને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી માટે પાદરા પોલીસ સ્ટેશન લાવાયો હતો. આ સમગ્ર ઓપરેશનમાં ટેકનિકલ સર્વેલેન્સ, સોશિયલ મીડિયા મોનિટરિંગ અને મેદાની સ્તરે અપનાવેલી વ્યૂહરચનાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. બે વર્ષથી પોલીસને ચકમો આપતો આરોપી આખરે પાદરા પોલીસની જાળમાં ફ્સાયો હતો. આ સફ્ળ ઓપરેશનમાં પાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.વી. ગોહિલના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. આર.એસ. મોભ તેમજ સુરેશ વસ્તાભાઈ, જીતેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ અને દિનેશભાઈ ચેહરાભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: