ડભોઈ રેફરલ હોસ્પિટલ અવારનવાર વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચામાં રહે છે. ત્યારે સોમવારે ડભોઈ તાલુકાના ઓરડી ગામની રેવાબેન બારીયાને ડાયાલિસિસ કરાવવા માટે હાલાકીનો સામનો કરવો પડયો હતો. રેવાબેન બારીયા ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ સેન્ટરમાં ડાયાલિસિસ કરાવવા પહોંચ્યા હતા. પરંતુ ટેકનિકલ ફોલ્ટ હોવાનું જણાવી ડાયાલિસિસ કરવાની ના પાડી હતી. જેની જાણ થતાં ઓરડી ગામના સરપંચે તાત્કાલિક જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ભાવેશ પટેલનો સંપર્ક કરી તેમને ઘટનાસ્થળે બોલાવ્યા હતા. ભાવેશ પટેલે દર્દીની સ્થિતિને ધ્યાનમાં લઈ સ્થાનિક તબીબો સાથે ચર્ચા કરી હતી. રેવાબેનનું ડાયાલિસિસ આજે જ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં થઈ શકે તે માટે પ્રયાસો કરી 108 એમ્બ્યુલન્સ મારફ્તે તેમને વડોદરા મોકલ્યા હતા. સાથે જ ડભોઈ રેફરલ હોસ્પિટલના ડાયાલિસિસ સેન્ટરના ટેકનિશિયનો સાથે પણ વાત કરી દર્દીને પડતી ઘટતી તમામ પ્રકારની મદદ માટે હૈયાધારણ અપાઇ હતી. આરોગ્ય સમિતિ ચેરમેન ભાવેશ પટેલે જણાવ્યું હતું કે, ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે કોઈપણ દર્દીને ડાયાલિસિસ માટે તકલીફ્ પડવી ન જોઈએ. ડાયાલિસિસની સુવિધા ડભોઈ શહેર અને તાલુકા માટે અત્યંત જરૂરી છે. દર્દીઓને સમયસર સારવાર મળે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.
