યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શનાર્થે મધ્યપ્રદેશ (MP)તરફ્થી પગપાળા આવી રહેલા પદયાત્રીઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાને રાખીને પાવીજેતપુર પોલીસ દ્વારા એક સરાહનીય પહેલ હાથ ધરાઇ છે. રાત્રિના સમયે હાઇવે પર પદયાત્રીઓ અકસ્માતનો ભોગ ન બને તે માટે તેમની બેગ પર રેડિયમ પટ્ટા લગાવ્યા હતા. ગરમી અને થાક વચ્ચે રાહત મળે તે હેતુથી પોલીસ દ્વારા યાત્રાળુઓને પીવાના પાણીની બોટલોનું વિતરણ પણ કરાયું હતું. હાલના દિવસોમાં મધ્યપ્રદેશના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં માઇભક્તો પગપાળા સંઘ લઈને પાવીજેતપુર માર્ગ પરથી પાવાગઢ તરફ્ આગળ વધી રહ્યા છે. સ્ટેટ હાઇવે પર રાત્રિ દરમિયાન વાહનોની ગતિ તેજ હોય છે અને અંધારાના કારણે રસ્તાની બાજુમાં ચાલતા પદયાત્રીઓ વાહનચાલકોને સમયસર નજરે ન પડતાં ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતા રહેતી હોય છે. આ સંભવિત જોખમને ટાળવા માટે પાવીજેતપુર પોલીસ મથકના સ્ટાફ્ દ્વારા હાઇવે પર ખાસ પોઇન્ટ ઊભા કરી પદયાત્રીઓની બેગ, ધ્વજ અને સામાન પર ચમકતા રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા હતા. આ પટ્ટાના કારણે વાહનોની લાઇટ પડતાં જ પદયાત્રીઓ દૂરથી સ્પષ્ટ નજરે પડશે, જેથી અકસ્માત નિવારી શકાશે. સુરક્ષા વ્યવસ્થા સાથે સાથે પોલીસે માનવીય અભિગમ દાખવી લાંબી મજલ કાપી રહેલા ભક્તોને ઠંડા પીવાના પાણીની બોટલો અર્પણ કરી ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત રસ્તાની સાચી દિશામાં ચાલવા અને સાવચેતી રાખવા અંગે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. પાવીજેતપુર પોલીસની આ સુરક્ષાલક્ષી અનેસેવાભાવી કામગીરીને પદયાત્રીઓ તેમજ નગરજનોએ મુક્તકંઠે બિરદાવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો