ડભોઈ પંથકમાં ઘણાં સમયથી માનવ વસાહતો અને જળાશયો નજીક મગરો આવી ચઢવાના બનાવોમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર મગરો દેખાવાની ઘટના સામે આવે છે. ત્યારે આજરોજ ડભોઈ તાલુકાના સાઠોદ ગામના તળાવમાં એક વિશાળકાય મગર દેખાતાં સમગ્ર ગામમાં ભારે ફ્ફ્ડાટ અને ભયનો માહોલ ફેલાઈ ગયો છે. સાઠોદ ગામના તળાવમાં અચાનક મગર દેખાતાં લોકો એકત્ર થયા હતા. તળાવ પાસે પશુપાલકો પોતાના ઢોર-ઢાંખર ચરાવવા કે પાણી પીવડાવવા માટે નિયમિત જતા હોય છે. તેમજ સ્થાનિક રહીશો પણ રોજિંદા કામ અર્થે અવરજવર કરતા હોય છે. આવા સંજોગોમાં તળાવમાં મગરની હાજરીથી કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની કે માનવી અથવા પશુ પર હુમલો થવાની ભીતિ સેવાઈ રહી છે.? સમગ્ર ડભોઈ પંથકમાં અવારનવાર મગરો રહેણાંક વિસ્તારોની નજીક આવી પહોંચતા હોવા છતાં વન વિભાગ દ્વારા કોઈ કાયમી કે નક્કર પગલાં લેવામાં ન આવતા હોવાનો ગ્રામજનોમાં રોષ જોવા મળે છે. સાઠોદના ગ્રામજનોએ કોઇ અનિચ્છનીય બનાવ બને તે પહેલા મગરને રેસ્ક્યુ કરવા માગ કરી છે.
