સદીઓ જૂની ઈલોરાની ગુફામાં પથ્થરમાંથી કંડારાયેલી શિલ્પકલા આજે પણ પોતાની કલાત્મકતા અને સર્જનાત્મકતાથી લોકોને મંત્રમુગ્ધ કરે છે. આ જ ઐતિહાસિક અને કલાત્મક વૈભવને કેમેરાના લેન્સથી નવી દ્રષ્ટિ આપતું વિશેષ ફોટોગ્રાફી પ્રદર્શન શૈલવૈભવમ્નું આયોજન 9થી 11 સપ્ટેમ્બર સુધી MSUની ફાઈન આર્ટસ્ ફેકલ્ટીના એક્ઝિબિશન હૉલ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ફોટોગ્રાફી ક્ષેત્રે 30 વર્ષનો બહોળો અનુભવ ધરાવતાં કલાકાર અને ફોટોગ્રાફર પ્રકાશ લોખંડે દ્વારા ક્લિક કરાયેલી 31 તસવીરો પ્રદર્શિત કરાઈ છે. જેને ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા પ્રાયોજિત કરાયું છે.
જે વિશે પ્રકાશ લોખંડેએ જણાવ્યું હતું કે, ઈલોરાની ગુફાઓ ભારતીય કલા અને સ્થાપત્યની અસાધારણ પરંપરાનું જીવંત ઉદાહરણ છે. પથ્થરમાંથી કંડારાયેલા શિલ્પો, વિવિધ આકૃતિઓ, સ્થાપત્યની બારીકીઓ અને સદીઓ જૂની ધાર્મિક-સાંસ્કૃતિક અભિવ્યક્તિને મેં કેમેરામાં અલગ અલગ દ્રષ્ટિકોણથી કંડારી છે. મારી તસવીરોમાં માત્ર શિલ્પોની સુંદરતા જ નહીં, પરંતુ પથ્થર પર પડતા પ્રકાશ-છાયાના અદ્વભૂત સંયોજન અને શિલ્પકારોની કલ્પનાશક્તિ પણ જોવા મળે છે.
