ડભોઇ નગરમાં દિવાળીના તહેવારોની ખરીદી અને ઉત્સાહ વચ્ચે વડોદરી ભાગોળ તેમજ મુખ્ય માર્ગો પર ખોદેલા ખાડા નગરજનો, વેપારીઓ અને રાહદારીઓ માટે મુશ્કેલીનું કારણ બન્યા છે. વિવિધ એજન્સી દ્વારા અંડરગ્રાઉન્ડ વાયરિંગ અને પાઇપલાઇનની કામગીરીને કારણે મુખ્ય માર્ગો પર જ્યાં જુઓ ત્યાં ખાડા કરી દેવાયા છે, જેના કારણે ભરચક તહેવારો દરમિયાન ભારે ટ્રાફ્કિ જામ અને અકસ્માતનો ભય સર્જાયો છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, કામગીરી પૂર્ણ થયા બાદ પણ કોન્ટ્રાક્ટરો દ્વારા ખાડા યોગ્ય રીતે પૂરાતા નથી કે, તેનું સમારકામ કરાતું નથી. ખોદકામ કરી માટીના ઢગલા માર્ગો પર જ મૂકી દેવાતા રસ્તા સાંકડા થયા છે. દિવાળી ટાણે બજારોમાં ખરીદી કરવા નીકળેલા લોકો અને વાહનચાલકો કલાકો સુધી ટ્રાફ્કિમાં અટવાઈ રહ્યા છે. આ આડેધડ ખોદકામની સૌથી મોટી અસર સ્થાનિક વેપારીઓ પર પડીછે. તહેવારોની સિઝનમાં સારો વેપાર થવાની આશા રાખતા દુકાનદારોની દુકાનો આગળ જ ખાડા પડી રહેતાં ગ્રાહકો માટે અવરજવર કરવી જોખમી બની છે. વેપારી અને નાગરિકોનું કહેવું છે કે, આવી મોટી કામગીરી તહેવારો પૂર્ણ થયા પછી હાથ ધરવી જોઈતી હતી અથવા તો કામ પૂરું થતાં જ તાત્કાલિક ધોરણે ખાડા પુરીને રસ્તા પૂર્વવત કરવા જોઈતા હતા. હવે સ્થાનિકોમાં સવાલ ઊઠી રહ્યો છે કે ડભોઇ નગરપાલિકા તંત્ર આવા બેદરકાર કોન્ટ્રાક્ટરો સામે સકંજો ક્યારે કસશે? નગરજનો અને વેપારી મંડળની એક જ માંગ છે કે પાલિકા તંત્ર તાત્કાલિક દરમિયાનગીરી કરી મુખ્યબજારો અને વડોદરી ભાગોળ વિસ્તારમાં પડેલા ખાડાઓનું પુરાણ કરાવે જેથી લોકોને હાલાકીમાંથી મુક્તિ મળે અને તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવી શકાય.
