નસવાડી : દર વર્ષે 5 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય છે. જેની શરુઆત સંયુક્ત રાષ્ટ્રસંઘના 1972ના સ્ટોકહોમ સંમેલન પછી વર્ષ 1974થી થઈ હતી. જેનો મુખ્ય હેતુ લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે જવાબદારીની ભાવના વિકસાવવાનો છે.
હવા, પાણી, જમીન, નદીઓ, પર્વતો, જંગલો અને પશુ-પંખીઓથી આપણું પર્યાવરણ બનેલું છે. જેના પર સમગ્ર માનવજીવનનું અસ્તિત્વ આધારિત છે. પરંતુ આજના આધુનિક યુગમાં ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ, આડેધડ વૃક્ષોનું નિકંદન, વધતું પ્રદૂષણ અને પ્લાસ્ટિકના અતિશય ઉપયોગને કારણે પર્યાવરણ સામે ગંભીર પડકારો ઊભા થયા છે. ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનથી વૈશ્વિક તાપમાન (ગ્લોબલ વોર્મિંગ) વધી રહ્યું છે, જેના લીધે અનિયમિત ઋતુચક્ર, અતિવૃષ્ટિ અને દુષ્કાળ જેવી કુદરતી આપત્તિ વધી છે.










