વડોદરા શહેરમાં શાંતિનો ભંગ કરતા અને રસ્તાઓ પર કર્કશ અવાજ સાથે બુલેટ દોડાવતા તત્વો સામે ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. લાંબા સમયથી બુલેટમાં મોડીફાઇડ સાયલેન્સર લગાવીને ફટાકડા ફોડતા અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા ચાલકો સામે પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ હેઠળ પોલીસે જપ્ત કરેલા 50થી વધુ ગેરકાયદેસર સાયલેન્સરો પર બુલડોઝર ફેરવી તેને જાહેર માર્ગ પર નષ્ટ કરી દેવામાં આવ્યા હતા. પોલીસની આ આક્રમક કાર્યવાહીથી સ્ટંટબાજો અને દેખાડો કરતા બુલેટચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


ધ્વનિ પ્રદૂષણ સામે જંગ

વર્ષ 2025 માં વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 500થી વધુ મોડીફાઇડ સાયલેન્સરો તોડી પાડવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આવા ગેરકાયદેસર સાયલેન્સરોને કારણે વૃદ્ધો, બાળકો અને બીમાર વ્યક્તિઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. માત્ર દંડ વસૂલવાને બદલે સાયલેન્સરનો નાશ કરવાનો મુખ્ય હેતુ એ છે કે, આવા સાધનોનો ફરીથી ઉપયોગ ન થઈ શકે અને શહેરીજનોને અવાજના પ્રદૂષણમાંથી મુક્તિ મળે. આગામી દિવસોમાં પણ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આ ચેકિંગ પ્રક્રિયા વધુ તેજ બનાવવામાં આવશે.

આ પણ વાંચો : Vadodara News : સમા નિર્માણાધીન બ્રિજ પાસે કાળમુખો અકસ્માત, બાઈક સ્લીપ થતા સગીરે ગુમાવ્યો જીવ, પરિવારમાં આક્રંદ

  • Follow us on: