રેડ એલર્ટમાંથી વડોદરા નીકળી જતા કોર્પોરેશને રાહતનો શ્વાસ લીધો હતો. આજે યલો એલર્ટ વચ્ચે છૂટા છવાયા છાંટણા જ વરસ્યા હતાં અને દિવસભર ઉઘાડ નીકળ્યો હતો. પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા રહ્યા હતાં. તેમજ શહેરમાં ઠેરઠેર ખાડાઓનુ સામ્રાજ્ય વચ્ચે બે જગ્યાએ ભૂવા પડયા હતાં. ઉઘાડ નીકળતા તંત્રએ હાશકારો અનુભવ્યો, પણ આ ખાડાઓ-ભૂવાઓનુ પુરાણ ક્યારે કરાશે ? તેવો સવાલ લોકોમાં ચર્ચાવા લાગ્યો છે.
ગઈકાલે પડેલા વરસાદના પાણી આજે પણ કેટલાક વિસ્તારોમાં યથાવત રહ્યા હતાં. ખાસ કરીને વાઘોડિયા રોડ, આજવા રોડથી હાઈવે તરફ, નેશનલ હાઈવેની બાજુમાં કોર્પોરેશનની હદમાં, ઘાઘરેટીયા, બિલ, વડસર, ભાયલી સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા રહ્યા હતા.
રેડ એલર્ટમાંથી વડોદરા બહાર નીકળી જતા જાણે કોર્પોરેશને આજે રાહતનો શ્વાસ લઈને આળશુ થઈ ગયા હતાં. કોર્પોરેશને ઠેરઠેર સફાઈ કરાવી હતી, પરંતુ સમા ચાણાક્યપુરી સર્કલ, સનફાર્મા રોડ, ગોત્રી નિલાંબર સર્કલથી પ્રીયા સિનેમા રોડ, માંજલપુર વિશ્વામિત્રી ટાઉનશીપથી સનસિટી રોડ, કલાલી ખીસકોલી સર્કલથી માંજલપુર બ્રીજ તરફનો રોડ, વિગેરે વિસ્તારોમાં પડી ગયેલા ખાડાઓનુ પુરાણ કર્યુ ન હતુ.
એવામાં, રાવપુરા ખારીવાવ રોડ પર ભૂવો પડયો હતો. એટલુ જ નહીં, અકોટા વિસ્તારમાં આવેલ વોર્ડ નં.12ની કચેરીથી મૂજમહુડા તરફ જતા વળાંક પર સામ્રાજ્યની સામે મસમોટો ભૂવો પડયો હતો. આમ પણ આ રોડ હવે આખા શહેરમાં ભૂવા રોડ તરીકે ઓળખાવા લાગ્યો છે.
આ રોડ પર 2024ના પૂર સમયે એક સાથે 12થી વધુ ભૂવા પડયા હતાં. તેમજ ગયા ચોમાસે અને ચોમાસા સિવાયની સિઝનમાં પણ આ રોડ પર ભૂવા પડતા રહે છે. આજે ઉઘાડ નીકળ્યો હોવા છતાં પણ કોર્પોરેશનના તંત્રએ ઉબડ - ખાબડ રસ્તાઓ, ખાડાઓ, ભૂવાઓ વિગેરેનુ પુરાણ કરવામાં કોઈ ખાસ રસ દાખવ્યો ન હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો