મધ્યગુજરાતની સૌથી મોટી સયાજી હૉસ્પિટલમાં શહેર, જિલ્લા અને અન્ય રાજ્યમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે. જ્યાં એક યા અનેક પ્રકારે દર્દીઓને મુશ્કેલી સહન કરવાનો વારો આવતો જ હોય છે. તેવામાં વધુ એક વખત તંત્રની બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમા સગર્ભા સ્ત્રીઓને સોનોગ્રાફી કરાવવા માટે પાણીમાંથી તથા પાણી ભરેલા રસ્તા ઉપર મૂકાયેલા ઈંટો અને પથ્થરો પરથી પસાર થવાનો વારો આવ્યો છે. આ કિસ્સામાં જો કોઈ સગર્ભા સ્ત્રી લપસીને પડે તો તેની જવાબદારી કોણ લેશે ?
સયાજી હૉસ્પિટલમાં રેડિયોલોજી વિભાગમાં સગર્ભા મહિલાઓ માટે સોનોગ્રાફી કરાવવા માટે આવે છે. થોડા જ વરસાદમાં આ સ્થળ નિચાણવાળો હોવાથી ત્યાં પાણી ભરાવાની સમસ્યા વારંવાર સર્જાતી હોય છે. આ વખતે પણ ગતરોજ પડેલા વરસાદને કારણે વિભાગમાં આવવા-જવાના રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા, જો કે તેમાંથી મહિલાઓને પસાર ન થવું તે માટે તંત્ર દ્વારા ત્યાં ઈંટો અને પથ્થરો મૂકીને રસ્તો બનાવ્યો હતો. પરંતુ આ ઈંટો પરથી પસાર થતાં સમયે તથા પાણીમાંથી પસાર થતાં સમયે જો કોઈ સગર્ભા મહિલાનો પગ લપસે અને મહિલા નીચે પટકાય તો જવાબદારી કોની ? અને નીચે પડયાં પછી જો પેટમાં રહેલા બાળકને નુકસાન પહોંચે તો તેની પણ જવાબદારી કોની ? તંત્રની આ ગંભીર બેદરકારીએ તંત્ર સામે ઘણા સવાલો ઉઠાવ્યા હતા. આ મામલે ઈન્ચાર્જ RMOએ જણાવ્યું હતું કે, આ સ્થળ નીચું હોવાથી ત્યાં પાણી ભરાઈ જાય છે. પીઆઈયુને આ રસ્તાનું લેવલિંગ કરવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે. ટૂંક સમયમાં આ સમસ્યાનું નિરાકરણ આવી જશે.
