સાવલી તાલુકાના પોઇચા (રા) ગામે લેક્ટોસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની દ્વારા વર્ષોથી સરકારી રોડ પર ગેરકાયદે પાર્કિંગના આક્ષેપ સાથે મુખ્યમંત્રી અને રાજ્યપાલ સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કર્યા બાદ જિલ્લા વિકાસ અધિકારીએ હુકમ કર્યો છતાં નિરાકરણ ના આવવાનો આક્ષેપ કરીને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે આક્રોશ વ્યકત કરતા વિસ્તારમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે. પોઇચા રા ગામે લેક્ટોસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમા વિવિધ પ્રકારના ફાર્માસ્યૂટિકલ્સ પદાર્થોનું ઉત્પાદન કરે છે. જેમાં આશરે 300થી વધુ કામદારો આ કંપનીમાં કામ કરે છે. પોઇચા રા ગામના અગ્રણી અને પૂર્વ તા. પં. પ્રમુખ ભઈજી પરમારે કંપની સામે સરકારી જગ્યામાં ગેરકાયદે પાર્કિંગ કરીને દબાણ કરવાનો આક્ષેપ કરીને ભૂતકાળમાં આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી. મુખ્યમંત્રી અને રાજ્યપાલ સુધી લેખિત રજૂઆત કરીને જાહેરહિત માટે કંપનીના ગેરકાયદે પાર્કિંગનું દબાણ દૂર કરવા માટે માંગ કરી હતી. તેના પગલે ઉચ્ચકક્ષાએથી સંલગ્ન વિભાગને ઘટતું કરવાની સૂચના અપાઇ હતી. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરાઇ નથી. તેવા આક્ષેપો ગ્રામજનો દ્વારા કરાઇ રહ્યા છે. આ રસ્તો આર એન્ડ બી વિભાગમાં આવે છે. છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી. આ બાબતે અરજકર્તા ભઈજી પરમારે જણાવ્યું હતું કે, હું ભાજપનો સક્રિય સભ્ય અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ છું મારી રજૂઆત બાદ ડીડીઓના હુકમ છતાં કંપની સત્તાધીશો કોઇને ગાંઠતા નથી તેવો આક્ષેપ કર્યો હતો.
