ડભોઇના સાઠોદ ગામ નજીક કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઇકચાલક 30 વર્ષીય આશાસ્પદ યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ જતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સિંધિયાપુરા ગામનો 30 વર્ષીય યુવાન સાજીદ હુસેન ધીરુભાઇ સિંધી પોતાની બાઇક લઈને ડભોઇથી સેગવા તરફ્ જઈ રહ્યો હતો. ત્યારે સાઠોદ ગામ પાસેથી પસાર થતી વખતે પૂરપાટ ઝડપે આવી રહેલી એક અજાણી કાર સાથે તેની બાઇકની જોરદાર ટક્કર થઈ હતી. જેમાં સાજીદ હુસેન રસ્તા પર ફ્ંગોળાયો હતો. તેને ગંભીર ઇજાઓ થઇ હતી. અકસ્માત સર્જાયો તે જ સમયે ડભોઇ સ્થિત ઉમા હોસ્પિટલના તબીબો તેઓની એમ્બ્યુલન્સ સાથે કરનાળી ખાતે આરોગ્ય કેમ્પમાં જવા નીકળ્યા હતા. માર્ગ પર લોહીલુહાણ હાલતમાં પડેલા યુવાનને જોઈ તબીબોએ માનવતા દાખવી તુરંત એમ્બ્યુલન્સ ઊભી રાખી હતી. તેમણે વિલંબ કર્યા વિના ગંભીર રીતે ઇજાગ્રસ્ત સાજીદને પોતાની એમ્બ્યુલન્સમાં બેસાડી સારવાર અર્થે ડભોઇ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જોકે, હોસ્પિટલ પહોંચે અને સારવાર શરૂ થાય તે પહેલાં જ ગંભીર ઇજાને કારણે યુવાને રસ્તામાં જ દમ તોડી દીધો હતો. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક સ્થળ પરથી નાસી છૂટયો હતો. ઘટના અંગે પોલીસને જાણ કરાતાં પોલીસ કાફ્લો ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. પોલીસે યુવાનના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ (PM) અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. અને તેના પરિવારજનોને સમગ્ર બનાવની જાણ કરી હતી. જુવાનજોધ પુત્રના અકાળે અવસાનના સમાચાર મળતાં જ સિંધિયાપુરા ગામમાં અને પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
