સાવલી તાલુકામાં ફરી એકવાર એસ.ટી. બસોની અવ્યવસ્થાનો વિરોધ કરીને વિદ્યાર્થી અને નોકરિયાતોએ બસ રોકી ચક્કાજામ કરતા એસ ટી વિભાગની પોલ ખુલી હતી.

સાવલીમાં એકવાર ફરી એસ.ટી. બસોની અપૂરતી સુવિધા અને ભીડભાડને લઈને વિદ્યાર્થી તેમજ નોકરિયાતોમાં ભારે રોષ હતો. ગુરુવારે વડોદરા-સાવલી-ઉદ્દલપુર ગોધરા રૂટ પર દોડતી એસ.ટી. બસોમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો મુસાફરી કરતા હોવાના આક્ષેપ કરાયા હતા. વિદ્યાર્થી અને મુસાફરોએ બસ રોકીને ચક્કાજામ કર્યો હતો. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, વડોદરાથી સાવલી વાયા ઉદ્દલપુર ગોધરા રૂટ પર દોડતી બસોમાં રોજિંદા ધોરણે 100થી વધુ વિદ્યાર્થી અને નોકરિયાત મુસાફરી કરે છે. જેના કારણે વિદ્યાર્થીઓને બસમાં ચઢવામાં તેમજ સુરક્ષિત રીતે મુસાફરી કરવી મુશ્કેલી પડે છે. એક બસમાં 140 જેટલા મુસાફરો ઘેટા બકરાની માફ્ક મુસાફરી કરી રહ્યાં છે. કુંદન પટેલ નામના નાગરિકે જણાવ્યું હતું કે, એસ ટી વિભાગ નાની બસો ફળવે છે. હકીકતમાં આ સમય દરમિયાન ત્રણ બસના ટાઇમ છે. પરંતુ એક જ બસ નિયમિત રીતે આવે છે. તેના પગલે મુસાફરોને હાલાકી વેઠવી પડે છે. અને વારંવાર રજૂઆતો કરવા છતાં પરિણામ ન મળતાં ગુરુવારે ફરી એકવાર ચક્કાજામ કર્યો છે. બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી આવીને મામલો થાળે પાડયો હતો. આ મુદ્દે વિદ્યાર્થીઓએ એસ.ટી. ડેપોના મેનેજર તેમજ વિભાગીય નિયામક (DC)ને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. જેમાં રૂટની તમામ બસો સમયસર દોડાવવા અને સાવલી ઉદ્દલપુર ગોધરા રૂટ પર મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વધુ એક નવી બસ શરૂ કરવાની માંગ કરાઇ છે. આ મુદ્દે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઇ છે.