પાવીજેતપુર નજીક સિહોદ ગામે ભારજ બ્રિજ પાસે ભારે વરસાદને કારણે સરકારી ડાયવર્ઝન ધોવાતાં છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશ તરફ્ના લોકો માટે અવરજવર મુશ્કેલ બની હતી. વાહનચાલકોને બોડેલી તરફ્ જવા માટે રંગલી ચોકડી અને મોડાસર ચોકડી થઈ અંદાજે 30 કિમીનો ફેરો ફરવો પડતો હતો. જ્યારે અન્ય વિકલ્પ તરીકે ડુંગરવાંટ-વાંકી માર્ગે આશરે 40 કિમીનો ફેરો થવાથી લોકો હાલાકી વેઠી રહ્યાં હતા.

આ સ્થિતિમાં સિથોલ, સિહોદ તથા આસપાસના ગામોના યુવાનો અને આગેવાનોએ ભારજ બ્રિજ પાસે રાતોરાત જનતા ડાયવર્ઝન તૈયાર કરી તેને વાહનવ્યવહાર માટે ખુલ્લો કરી દીધો છે. જનતા ડાયવર્ઝન શરૂ થતાં પાવીજેતપુર, બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લાના લોકો તેમજ મધ્યપ્રદેશ તરફ્ અવરજવર કરતા વાહનચાલકોને મોટી રાહત મળી છે. સરકારી ડાયવર્ઝન ધોવાઈ જવાથી મુખ્ય માર્ગનો સંપર્ક તૂટી ગયો હતો. લાંબો ફેરો ફરવાની ફરજ પડતી હોવાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ અને મુશ્કેલી જોવા મળી રહી હતી. ત્યારે સ્થાનિક યુવાનોની પહેલથી વૈકલ્પિક માર્ગ શરૂ થતાં લોકોમાં આનંદ જોવા મળે છે.