ડભોઇ

ડભોઇ વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ્ યુનિટીને જોડતા મુખ્ય માર્ગ પર છેલ્લા બે મહિનાથી ખોરંભે પડેલા વરસાદી કાંસના નિર્માણ કાર્ય અંગે અખબારમાં અહેવાલ પ્રસારિત થતાં જ વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું. તંત્ર દ્વારા તાબડતોબ એક્શન મોડમાં આવીને અટકેલી કામગીરી યુદ્ધના ધોરણે ફરી શરૂ કરાવી દેવામાં આવી છે.

ડભોઇની વેગા ચોકડીથી લઈને સરિતા બ્રિજ સુધી વરસાદી પાણીના નિકાલ માટે કેનાલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, સંબંધિત કોન્ટ્રાક્ટર દ્વારા આ કામ અધવચ્ચે જ છોડી દેવામાં આવ્યું હતું. છેલ્લા બે મહિનાથી ખોદકામ કરીને કામ બંધ કરી દેવાતા આ માર્ગ પરથી પસાર થતા હજારો વાહનચાલકો, પ્રવાસીઓ તેમજ સ્થાનિક રહીશો માટે ભારે હાલાકી ઊભી થઈ હતી. અકસ્માતનો સતત ભય અને ટ્રાફ્કિની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.આ ગંભીર લોકપ્રશ્ન અંગે શંદેશ પેપરમાં દ્વારા સ્થળ પરની વાસ્તવિકતા અને લોકોની મુશ્કેલીઓને ઉજાગર કરતો વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે બાદ ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા અને તાત્કાલિક સ્થળ તપાસ કરીને સંબંધિત એજન્સીને બાકી કામ ઝડપથી પૂરું કરવા કડક સૂચના આપી હતી.પરિણામે, વેગા સુધી અટકી પડેલું વરસાદી કાંસાનું કામ ફરી પૂરજોશમાં ચાલુ કરી દેવામાં આવ્યું છે. લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનો અંત આવતાં સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો